વૈશ્વિક ફૂટબોલ આઇકોન લીઓનેલ મેસ્સીએ જામનગરમાં અનંત અંબાણી દ્વારા સ્થાપિત વન્યજીવન બચાવ પુનર્વસન અને સંરક્ષણ કેન્દ્ર વનતારાની મુલાકાત લીધી. મેસી તેમના ઇન્ટર માયામીના સાથી ખેલાડીઓ લુઈસ સુઆરેઝ અને રોડ્રિગો ડી પોલ સાથે આવ્યા હતા.
સનાતન ધર્મ અનુસાર પરંપરાગત સ્વાગત
વનતારામાં દરેક પહેલની શરૂઆત સનાતન ધર્મ અનુસાર પ્રકૃતિ અને તમામ જીવો પ્રત્યે આદરની ભાવના સાથે થાય છે. મેસીનું ભવ્ય પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું, જેમાં જીવંત લોકસંગીત, ફૂલવર્ષા અને ઔપચારિક આરતીનો સમાવેશ હતો. ફૂટબોલ દિગ્ગજે મંદિરની મહાઆરતીમાં પણ ભાગ લીધો, જેમાં અંબે માતા, ગણેશ, હનુમાન અને શિવ અભિષેકનો સમાવેશ થતો હતો. આ વિધિઓ દરમિયાન વિશ્વશાંતિ અને એકતાની પ્રાર્થના કરવામાં આવી હતી.
વન્યજીવન સંભાળ કેન્દ્રોનું નિરીક્ષણ
સ્વાગત સમારંભ બાદ, મેસીએ વનતારાના વિશાળ સંરક્ષણ પરિસરનો પ્રવાસ શરૂ કર્યો, જ્યાં બચાવાયેલા મોટા બિલાડા, હાથીઓ, શાકાહારી અને સરિસૃપોની સંભાળ લેવામાં આવે છે. તેમણે ગ્રીન એનર્જી કોમ્પ્લેક્સ અને વિશ્વના સૌથી મોટા રિફાઇનરી કોમ્પ્લેક્સની પણ મુલાકાત લીધી. તેમણે સિંહ, ચિત્તા અને વાઘ માટેના સંભાળ કેન્દ્રમાં પ્રાણીઓ સાથે સમય વિતાવ્યો.હર્બિવોર અને સરિસૃપ સંભાળ કેન્દ્રોમાં આપવામાં આવતી વિશેષ પશુચિકિત્સા સારવાર, કસ્ટમાઇઝ્ડ પોષણ અને વૈજ્ઞાનિક પ્રોટોકોલની તેમણે પ્રશંસા કરી.તેમણે મલ્ટી-સ્પેશિયલિટી વાઇલ્ડલાઇફ હોસ્પિટલની મુલાકાત લીધી અને ઓકાપી, ગેંડા, જિરાફ, અને હાથીઓને ખોરાક આપ્યો.મેસીએ ભારતમાં વન્યજીવન સંભાળ અને સંરક્ષણને આગળ વધારવા માટે ભારતના વડાપ્રધાનની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી.
લાયોનેલ નામનું સિંહનું બચ્ચું અને હાથી સાથે ફૂટબોલની ક્ષણ
ફોસ્ટર કેર સેન્ટરમાં અનંત અને રાધિકા અંબાણીએ એક સિંહના બચ્ચાનું નામ મેસીના સન્માનમાં "લાયોનેલ" રાખ્યું. પ્રવાસનું મુખ્ય આકર્ષણ એલિફન્ટ કેર સેન્ટર રહ્યું. મેસીએ માણિકલાલ (લાકડા કાપવાના ઉદ્યોગમાંથી બચાવેલ હાથીનું બચ્ચું) સાથે ફૂટબોલ આધારિત સમૃદ્ધિ પ્રવૃત્તિમાં ભાગ લીધો, જે રમતની સાર્વત્રિક ભાષાનું જીવંત પ્રદર્શન હતું.
લીઓનેલ મેસ્સીનો પ્રતિભાવ
અનંત અંબાણીએ મેસીનો આભાર માન્યો, જેના જવાબમાં મેસીએ સ્પેનિશ ભાષામાં કહ્યું, "વનતારા જે કાર્ય કરી રહ્યું છે તે ખરેખર અદ્ભુત છે – પ્રાણીઓ માટેનું કાર્ય, તેમને મળતી સંભાળ અને તેમને બચાવીને સાચવવામાં આવે છે તે અત્યંત પ્રભાવશાળી છે. આ એક એવો અનુભવ છે જે હંમેશા તમારી સાથે રહે છે. આ અર્થપૂર્ણ કાર્યને પ્રેરણા આપવા અને ટેકો આપવા માટે અમે ચોક્કસપણે ફરી મુલાકાત લઈશું. મુલાકાતનો અંત નારિયાળ ઉત્સર્ગ અને મટકા ફોડ જેવી પરંપરાગત વિધિઓ સાથે થયો, જે સદ્ભાવના અને શુભ શરૂઆતનું પ્રતીક છે. મેસીએ લિઓ મેસી ફાઉન્ડેશનના વડા તરીકે વનતારાના મિશન પ્રત્યે ઊંડી સહાનુભૂતિ વ્યક્ત કરી હતી.
વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ