જામનગર શહેરમાં વધતા જતાં વીજ લોસને ડામવા માટે PGVCL તંત્ર હરકતમાં આવ્યું છે. વહેલી સવારથી જ શહેરના વિવિધ વિસ્તારોમાં વીજચોરી પકડવા માટે મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરીમાં સ્થાનિક ટીમો ઉપરાંત રાજકોટ અને વડોદરાની વિજીલન્સ ટીમો પણ સામેલ થઈ હતી.


જામનગર શહેરમાં PGVCL દરોડા

PGVCL દ્વારા તૈયાર કરવામાં આવેલી કુલ 35 ટીમોએ શહેરના મધ્ય અને છેવાડાના વિસ્તારોને ધમરોળ્યા હતા. ખાસ કરીને બેડી, બેડેશ્વર, પંચવટી, સતવારા વાડ, દરબારગઢ, લીમડા લેન, ગાંધીનગર અને મોમાઈનગર જેવા વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરોડા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ અને SRPના જવાનોનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.

સૌરાષ્ટ્રમાં જામનગર વીજચોરીમાં મોખરે

ઉલ્લેખનીય છે કે, સમગ્ર સૌરાષ્ટ્રમાં જામનગર જિલ્લો ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન (T&D) લોસમાં સૌથી વધુ નુકસાન ધરાવે છે. પુરવઠા સામે ઓછું બિલિંગ થતું હોવાથી તંત્ર દ્વારા આ આકસ્મિક દરોડા પાડવામાં આવ્યા હતા. લાંબા સમય બાદ આટલા મોટાપાયે હાથ ધરાયેલી કાર્યવાહીથી વીજચોરી કરનારા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

મોટા આંકડાની શક્યતા

સાંજ સુધી ચાલનારા આ ઓપરેશનના અંતે વીજચોરીનો લાખો કે કરોડોનો આંકડો સામે આવી શકે છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, જે સ્થળોએ ડાયરેક્ટ જોડાણ કે મીટર સાથે ચેડાં માલૂમ પડશે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી દંડ ફટકારવામાં આવશે.

આ પણ વાંચો: સાયલામાં નીલગાયનો શિકાર કરી માંસ વેચવાનું કૌભાંડ ઝડપાયું, ફોરેસ્ટ વિભાગે બે કસાઈઓને દબોચ્યા

  • Follow us on: