જામનગરના મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનની કસ્ટડીમાંથી ફરાર થઈ ગયેલા NDPS એક્ટના ગુનાના રીઢા આરોપીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસ ટીમોએ છેક પંજાબ સુધી પીછો કરીને આરોપી વિશાલસિંહ ઉર્ફે જસવિરસિંહ મટુને દબોચી લીધો છે.


જામનગરમાં NDPSનો ફરાર આરોપી ઝડપાયો

ગત તા. 07/02/2026ના રોજ મેઘપર પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં આરોપી વિશાલસિંહ જસવિંદરસિંહ ઉર્ફે જસવિરસિંહ મટુ પોલીસ રિમાન્ડ પર હતો. જોકે, રિમાન્ડ દરમિયાન આરોપી પોલીસની નજર ચૂકવીને ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો, જેના કારણે પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.

આરોપી તેના વતનથી ઝડપાયો

આરોપીને પકડવા માટે જિલ્લા પોલીસ વડાની સૂચનાથી એલસીબી (LCB), એસઓજી (SOG), પંચકોશી બી ડિવિઝન અને મેઘપર પોલીસની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમો દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી તપાસ તેજ કરવામાં આવી હતી.

પંજાબમાં સફળ ઓપરેશન

તપાસ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી તેના વતન પંજાબમાં છુપાયેલો છે. આ બાતમીના આધારે જામનગર પોલીસની એક ખાસ ટીમ પંજાબ રવાના થઈ હતી અને ત્યાં સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડીને આરોપી વિશાલસિંહને ઝડપી પાડ્યો હતો. હાલ આરોપીને જામનગર લાવીને તેની સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: Gandhinagar: ગુજરાત વિધાનસભાના સત્રનો આજથી મંગલ પ્રારંભ, હર્ષ સંઘવીએ ધારાસભ્યોને રચનાત્મક ચર્ચામાં જોડાવા અનુરોધ કર્યો

  • Follow us on: