જામનગર જિલ્લા પોલીસ દળમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર (PI) વાય.જે. વાઘેલાને ફરજમાં બેદરકારી દાખવવા બદલ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ધ્રોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક સંવેદનશીલ દુષ્કર્મ કેસની તપાસમાં ગંભીર નિષ્કાળજી સામે આવતા જિલ્લા પોલીસ વડાએ આ કડક આદેશ આપ્યો છે.


તપાસમાં ગંભીર ચૂક અને બેદરકારી

મળતી માહિતી મુજબ, ધ્રોલ તાલુકાના એક ગામમાં થોડા સમય પહેલા દુષ્કર્મની ગંભીર ઘટના બની હતી. આ કેસની તપાસ PI વાય.જે. વાઘેલાને સોંપવામાં આવી હતી. જોકે, આવા સંવેદનશીલ ગુનામાં જે પ્રકારની ગંભીરતા અને ત્વરિત કાર્યવાહી અપેક્ષિત હતી, તેમાં PI વાઘેલા ઉણા ઉતર્યા હોવાનું જણાયું હતું. તપાસમાં રહેલી ક્ષતિઓ અને બિનજવાબદાર વલણને ધ્યાને રાખીને જામનગર SP ડો. રવિ મોહન સૈનીએ આ શિક્ષાત્મક પગલું ભર્યું છે.

PI વાઘેલાનો સેવા ઇતિહાસ

PI વાય.જે. વાઘેલા જામનગર જિલ્લામાં વિવિધ શાખાઓમાં ફરજ બજાવી ચૂક્યા છે, તેઓ હાલમાં LIB (લોકલ ઇન્ટેલિજન્સ બ્યુરો) શાખામાં ફરજ બજાવતા હતા. આ પહેલા તેઓ AHTU (એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ) માં પણ પોતાની સેવાઓ આપી ચૂક્યા છે.

પોલીસ બેડામાં ફફડાટ

એક ઉચ્ચ પોલીસ અધિકારી સામે સીધી સસ્પેન્શનની કાર્યવાહી થતા જામનગર પોલીસ બેડામાં ભારે ચર્ચાઓ જાગી છે. જિલ્લા પોલીસ વડાએ આ કાર્યવાહી દ્વારા સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ અને ગંભીર કેસોમાં કોઈપણ પ્રકારની ઢીલાશ કે બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં.ધ્રોલ દુષ્કર્મ કેસની તપાસમાં હવે અન્ય અધિકારીને જવાબદારી સોંપીને પીડિતાને ન્યાય અપાવવાની દિશામાં કામગીરી વેગીલી બનાવવામાં આવી છે.

વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ 

  • Follow us on: