જામનગર શહેરના બેડેશ્વર વિસ્તારમાં છેલ્લા બે દિવસથી પાણીજન્ય રોગચાળો વકર્યો છે. આ વિસ્તારમાં ગંદા પાણીની સમસ્યાને કારણે ટૂંકા ગાળામાં જ ઝાડા-ઉલટીના અનેક કેસો નોંધાયા છે, જેમાં જીવલેણ કોલેરાના પોઝિટિવ રિપોર્ટ આવતા સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.


જામનગરમાં પાણીજન્ય રોગચાળો વકર્યો

બેડેશ્વર વિસ્તારમાંથી માત્ર બે જ દિવસમાં 48 જેટલા ઝાડા-ઉલટીના કેસ સામે આવ્યા છે. આ તમામ દર્દીઓને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જેમાં તપાસ દરમિયાન 3 દર્દીઓના કોલેરા રિપોર્ટ પોઝિટિવ આવતા ડોક્ટરો અને વહીવટી તંત્ર ચોંકી ઉઠ્યું છે. એકસાથે આટલા કેસ નોંધાતા હોસ્પિટલમાં પણ દોડધામ મચી ગઈ છે.

કોર્પોરેશનની 20 ટીમો મેદાનમાં

રોગચાળાની ગંભીરતાને જોતા જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે.આરોગ્ય વિભાગની 20 ટીમો દ્વારા બેડેશ્વરના 2700 થી વધુ ઘરોમાં રૂબરૂ જઈને તપાસ કરવામાં આવી છે.રોગચાળો અટકાવવા માટે ઘરે-ઘરે ક્લોરીનેશનની ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું છે.સોલિડ વેસ્ટ અને ભૂગર્ભ ગટર શાખા દ્વારા વિસ્તારમાં સફાઈ કામગીરી તેજ કરવામાં આવી છે.

ગંદુ પાણી પાઈપલાઈનમાં ભળતા રોગચાળો ફેલાયો

સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, પીવાના પાણીની પાઈપલાઈનોમાં ગટરનું ગંદુ પાણી ભળી જતું હોવાથી આ સમસ્યા સર્જાઈ છે. વોટરવર્કસ શાખા દ્વારા હાલ પાઈપલાઈન ચેકિંગ અને લીકેજ શોધવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પીવાના પાણીના નમૂના લઈ તેને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.


આ પણ વાંચો:Surat: સરથાણા નેચર પાર્કમાં 'શ્રી' અને 'અભય' વાઘની જોડીનું આગમન, ઇન્દોર અને ભુવનેશ્વરથી આવ્યા નવા મહેમાનો

  • Follow us on: