રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના કનેસરા ગામે આવેલા પ્રસિદ્ધ જડિયા મહાદેવ મંદિર ખાતે આજે વહેલી સવારે દીપડાએ દેખા દેતા ભારે નાસભાગ મચી ગઈ હતી. આ હિંસક વન્ય પ્રાણીએ મંદિરના મહંત અને તેમની સેવા કરતા એક સેવક પર અચાનક હુમલો કરી દીધો હતો, જેમાં બંનેને ગંભીર ઇજાઓ પહોંચી છે.
લોકોની સમયસૂચકતાથી દીપડો મકાનમાં કેદ
દીપડાએ જ્યારે હુમલો કર્યો ત્યારે આસપાસના લોકો દોડી આવ્યા હતા. મહંત અને સેવકને બચાવ્યા બાદ, લોકોએ હિંમત અને સમયસૂચકતા વાપરીને દીપડાને મહંતના જ મકાનના એક ઓરડામાં પૂરી દીધો હતો. હાલ આ હિંસક દીપડો મકાનમાં જ કેદ હોવાથી મોટી જાનહાનિ ટળી છે.
ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા
હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા મહંત અને સેવકને તાત્કાલિક ધોરણે 108 એમ્બ્યુલન્સ મારફતે જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તબીબોના જણાવ્યા મુજબ, બંનેની હાલત હાલ સ્થિર છે પરંતુ દીપડાના નખ અને દાંત લાગવાથી ઊંડા જખમ થયા છે.
વન વિભાગની કામગીરી
ઘટનાની જાણ થતા જ જસદણ વન વિભાગની ટીમ પાંજરા અને રેસ્ક્યુ સાધનો સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. દીપડો મકાનના ઓરડામાં પુરાયેલો હોવાથી વન વિભાગે તેને સુરક્ષિત રીતે પાંજરે પૂરવા માટેની કવાયત હાથ ધરી છે. આ ઘટનાને પગલે આસપાસના ખેતરો અને ગામમાં વન્ય પ્રાણીઓની અવરજવરને લઈને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: Surat: ભારતની વૈશ્વિક છબી ખરાબ કરવાનો રાહુલ ગાંધી પર આરોપ, ભાજપ કાર્યકરોએ 'માફી માંગો' ના નારા લગાવ્યા