રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી વન્ય પ્રાણીઓના દેખા દેવાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. જસદણના સીમ વિસ્તારમાં સિંહના આંટાફેરા બાદ હવે દીપડાએ પણ ધામા નાખતા સ્થાનિક રહીશો અને ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.


સિંહ અને દીપડાનો બેવડો ફફડાટ

મળતી વિગતો અનુસાર, જસદણના ભડલી-સનાળા રોડ પર આવેલી વાડી વિસ્તારમાં દીપડો દેખાયો હતો. દીપડાની હાજરીને પગલે વાડીમાં રહેતા અને રાત્રિના સમયે ખેતી કરતા ખેડૂતોમાં ફફડાટ વ્યાપી ગયો છે. બીજી તરફ, આંબરડી કાસલોલીયા વિસ્તારમાં પણ સિંહના ધામા હોવાના અહેવાલો મળી રહ્યા છે.

વન વિભાગની કાર્યવાહી

દીપડો દેખાયાની જાણ થતા જ વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને વન્ય પ્રાણીના લોકેશન પર નજર રાખવાનું શરૂ કર્યું છે. વન વિભાગ દ્વારા ખેડૂતોને રાત્રિના સમયે ખેતરમાં એકલા ન જવા અને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.દીપડો દેખાયો હોવાના સમાચાર વાયુવેગે પ્રસરતા આસપાસના વિસ્તારના લોકોના ટોળા વન્ય પ્રાણીને જોવા માટે ઉમટી પડ્યા હતા. જોકે, વન વિભાગે લોકોને ટોળા ન વળવા અને વન્ય પ્રાણીને હેરાન ન કરવા તાકીદ કરી છે.

આ પણ વાંચો: Upleta: મોડી રાત્રે મકાન આગની લપેટમાં આવ્યું, ઘરવખરી બળીને ખાખ


  • Follow us on: