જસદણ શહેરના હાર્દ સમાન ગણાતા જૂના બસ સ્ટેશન વિસ્તારમાં આજે જૂથ અથડામણની ઘટના બની હતી. બસ સ્ટેશન પાસે આવેલી ખોડિયાર હોટલ નજીક કોઈ બાબતે બે પક્ષો સામસામે આવી ગયા હતા. શરૂઆતમાં બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને હાથાપાઈ થઈ હતી, જે બાદમાં હિંસક સ્વરૂપમાં ફેરવાઈ ગઈ હતી. આ મારામારીને પગલે બજારમાં લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા અને વાહનચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
લાકડીઓ વડે હુમલો કરતો વીડિયો વાયરલ
આ વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, શરૂઆતમાં લોકો એકબીજા પર હાથથી હુમલો કરે છે, પરંતુ જોતજોતામાં મામલો વધુ બિચકતા લાકડીઓ ઉછળી હતી. વીડિયોમાં કેટલાક શખ્સો લાકડીઓ વડે એકબીજા પર નિર્દયતાથી હુમલો કરતા નજરે પડે છે. આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર વાયરલ થતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
