જેતલસર જંકશનમાં રેલવે સંબંધિત માંગણીઓને લઈને ગ્રામવાસીઓ, પૂર્વ કર્મચારીઓ અને વેપારી મંડળોના આમરણાંત ઉપવાસ ચોથા દિવસે પહોંચ્યા છે. જેમાં બે મહિલા ઉપવાસીઓની તબિયત લથડતા તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. આજરોજ શુક્રવારે આંદોલનકારીઓની મુલાકાતે ભાવનગર રેલવે ડિવિઝનના બે અધિકારીઓ આવ્યા હતા. પરંતુ કોઇ સ્થિતિને થાળે પાડવાના બદલે આંદોલન સમેટવાની જ વાત કરી હતી. ઉપવાસ છાવણીમાં 5 આમરણાંત ઉપવાસીઓ અને 18 પ્રતિક ઉપવાસીઓ બેઠા છે. જેમાંથી બે મહિલાઓની તબિયત બગડતા તેમને તાત્કાલિક સારવાર માટે જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ગામના સરપંચ આરતીબેન સરવૈયાએ જણાવ્યુ હતું કે, અમે ચાર દિવસથી અહીંયા ઉપવાસ ઉપર બેઠા છીએ એમાંથી બે મહિલાઓની છે તબિયત લથડતા તેઓને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. અમે રેલવે તંત્રને અસંખ્ય રજૂઆતો કરી હતી નવ મહિના પેલા અમારા રેલવે બચાવ સમિતિ મંડળ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા સાથે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને મળ્યા ત્યારે, રેલ બચાવ સમિતિની હાજરીમાં અશ્વિની વૈષ્ણવે અમારી માંગણીઓ પૂર્ણ કરવાનો લાગતા વળગતા અધિકારીઓને હુકમ કર્યો હતો તેને નવ મહિના વીતી ગયા છતાં હુકમની અમલવારી થઈ નથી.બીજા આમરણાંત ઉપવાસી હનીફ્ભાઈ બ્લોચે જણાવ્યુ કે, અમારી ઉપવાસ છાવણીની મુલાકાતે રેલવેમાંથી ADRM અને DCM એમ બે અધિકારીઓ આવ્યા હતા, પરંતુ ઉપવાસી છાવણી દ્વારા કરવામાં આવેલી રજૂઆતો તેઓ સાંભળતા ન હોવાનો આક્ષેપ કરાયો છે.
