રાજકોટ-પોરબંદર હાઈવે પર જેતપુર નજીક આવેલી પેઢલા ચોકડી પાસે આજે એક કમકમાટીભર્યો અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે દોડતી એક કાર ડિવાઈડર સાથે અથડાઈને ફાર્મ હાઉસની દીવાલમાં ઘૂસી જતાં 20 વર્ષીય આશાસ્પદ યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે યુવાનો જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.
150ની સ્પીડ અને ઇન્સ્ટાગ્રામ સ્ટોરી
મળતી માહિતી મુજબ, કારમાં સવાર ત્રણ યુવાનો બેફામ ગતિએ કાર ચલાવી રહ્યા હતા. અકસ્માત પૂર્વે યુવાનોએ કાર 150 કિમી/કલાકની ઝડપે દોડતી હોવાનો વીડિયો પણ ઉતાર્યો હતો અને તેને ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર અપલોડ કર્યો હતો. આ સ્પીડમાં સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પહેલા ડિવાઈડર સાથે અથડાઈ અને ત્યારબાદ પલટી મારીને નજીકના ફાર્મ હાઉસની દીવાલ સાથે જોરદાર અથડાઈ હતી.
