દેશની દસ સૌથી વધુ પ્રદૂષિત નદીઓમાં જ્યારે સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન ભાદર નદીનું નામ આવે છે, ત્યારે સ્થિતિ કેટલી ગંભીર છે તે જાણવા સંદેશ ન્યૂઝની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી છે.જેતપુરના સાડી ઉદ્યોગના કેમિકલયુક્ત પાણીની સાથે હવે નવાગઢ પાસે નગરપાલિકાના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી છૂટતા પ્રદૂષિત પાણીએ નદીને બેવડો માર પહોંચાડયો છે. આ ઝેરી પાણી ભાદર-2 ડેમ અને આગળ માધવપુર ઘેડ સુધી પહોંચીને ખેતી, બોર-કૂવા અને માલધારીઓના પશુઓ માટે મોટો ખતરો બની રહ્યું છે.
દેશની 10 સૌથી પ્રદૂષિત નદીઓમાં એક ભાદર નદીનું નામ પણ સામેલ છે, તે ખરેખર ચિંતાજનક અને શરમજનક બાબત છે. જેતપુરના નવાગઢના જેતપુર રાજકોટ નેશનલ હાઈવેના પુલ નીચેથી પસાર થતી ભાદર નદી છે, જે આગળ ભાદર-2 ડેમ અને ત્યાંથી માધવપુર ઘેડ સુધી જાય છે. કાંઠા વિસ્તારના ખેડૂતોના તળમાં કેમિકલયુક્ત લાલ પાણી ભળી ગયું છે જેથી બોર અને કૂવાના પાણી પણ પ્રદૂષિત થઈ જતા આ પાણીથી હવે ખેતી કરી શકાય તેમ નથી. આ પ્રદૂષિત પાણીના કારણે ખેડૂતોની ખેતી બરબાદ થઈ રહી છે. બીજી તરફ્, પાણીની અછત વચ્ચે માલધારીઓના માલઢોરને પીવાના પાણી માટે ભારે હાલાકી ભોગવવી પડે છે. ના છૂટકે ખેડૂતોને પાકમાં અને માલધારીઓને પશુઓને આ કેમિકલયુક્ત પાણી આપવું પડે છે, જેનાથી પાકની ગુણવત્તા બગડે છે અને માલઢોર બીમાર પડી રહ્યાછે.
ભાદર નદી કાંઠા વિસ્તારના ખેડૂત રમેશભાઈ મકવાણા અને રમેશભાઈ બાંભરોલિયાએ જણાવેલ કે, ભાદર નદીમાં લાંબા સમયથી કેમિકલયુક્ત પાણી વહે છે. અમો ભાદર નદીના પ્રદુષણ અંગે જીપીસીબી સામે ઉપવાસ આંદોલન કરેલ ત્યારે અધિકારીઓએ ડિસેમ્બર સુધીમાં પાણી ચોખ્ખું થઈ જવાની બાંહેધરી આપી હતી હવે નવેમ્બર મહિનો ચાલી રહ્યો છે છતાં નદીના પાણીમાં કંઈ ફરક પડયો નથી. આ પાણીના ઉપયોગથી જમીન બંજર બને છે, મોલાત બગડે છે, બોર-કૂવામાં કેમિકલ-કલરવાળું પાણી આવે છે જયારે પર્યાવરણ વિદો તેમજ સામાજિક અગ્રણીઓ આક્ષેપ કરી રહ્યા છે કે, સત્તાકીય જોરે ચાલતા લાયસન્સ વગરના બોગસ કારખાનાઓનું કેમિકલ યુક્ત પાણી જેતપુર ડાઈંગ એસોસિએશનનાCETP( કોમન ઇંફ્લૂએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ)માં તો નાંખી શકતા નથી તેઓ પાણી સીધુ નદીમાં જ છોડે છે, આવા કારખાનાઓ સામે જીપીસીબીમાં અનેક ફરીયાદો કરી હાેવા છતાં જીપીસીબી તેઓની સામે કઈ પગલાં ભરતાં હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતાં.
ભાદર નદીને માત્ર જેતપુરના સાડી ઉદ્યોગના કારખાનાઓ જ નહીં, પરંતુ નવાગઢ ખાતે ભાદર નદી કાંઠે આવેલો જેતપુર નગરપાલિકાનોSTP( સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ) પણ પ્રદૂષિત કરી રહ્યોછે. ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના ગેરકાયદેસર કારખાનાઓનો હિસ્સો તો છે જ, પરંતુ નવાગઢનાSTP પ્લાન્ટની સ્થિતિ પણ ગંભીર દેખાય છે. અહીંથી જે પાણી છોડવામાં આવે છે તે જાણે કોઈ પણ પ્રકારના શુદ્ધિકરણ વગર જે લીલી ઝાંઈ મારતું કેમિકલયુક્ત દુર્ગંધયુક્ત પાણી સીધું નદીમાં છોડાઈ રહ્યું છે. અને નદીમાં ચારે બાજુ ફીણ જામેલું જોવા મળે છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો