જેતપુર શહેરમાં રેલવે ટ્રેક ઓળંગતી વખતે સાવચેતીના અભાવે અથવા કોઈ અગમ્ય કારણોસર વધુ એક નાગરિકે પોતાનો જીવ ગુમાવ્યો હોવાની હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. જેતપુરના સામાકાંઠા વિસ્તારમાંથી પસાર થતી રેલવે લાઇન પર આજે એક કાળજું ધ્રુજાવી દેતો અકસ્માત સર્જાયો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, વેરાવળ તરફથી આવીને રાજકોટ તરફ જઈ રહેલી એક સ્પીડમાં દોડતી માલગાડી (ગુડ્સ ટ્રેન) ની અડફેટે એક અજાણ્યો યુવક આવી ગયો હતો. ટ્રેનની સ્પીડ વધુ હોવાના કારણે યુવકને બચવાની કોઈ તક મળી ન હતી અને તે ટ્રેનના વ્હીલ નીચે આવી જતાં તેનું શરીર ગંભીર રીતે છિન્નભિન્ન થઈ ગયું હતું.
જેતપુરમાં કાળજું ધ્રુજાવી દેતી દુર્ઘટના
આ ભયાનક અકસ્માતને પગલે આસપાસના સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા અને સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ઘટના અંગે તાત્કાલિક જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળનું પંચનામું કરીને ટ્રેક પર વિખરાયેલા મૃતક યુવકના કપાયેલા અંગોને અત્યંત આદરપૂર્વક એકત્ર કર્યા હતા અને તેને એમ્બ્યુલન્સ મારફતે જેતપુરની સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ (PM) અર્થે મોકલી આપ્યા હતા.










