રાજકોટ જિલ્લાના જેતપુર પાસે આવેલા જેતલસર જંકશન રેલવે પુલ પર વહેલી સવારે એક અત્યંત ભયાનક અને કમકમાટીભર્યો અકસ્માત સર્જાયો છે. જૂનાગઢ ભવનાથના શિવરાત્રી મેળામાંથી દર્શન કરી પરત ફરી રહેલા ચાર મિત્રોની કાર પુલ સાથે ધડાકાભેર અથડાતા બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે.
અકસ્માતમાં કારના બે ભાગ થઈ ગયા
અકસ્માત એટલો જોરદાર હતો કે પૂરપાટ ઝડપે જતી કાર પુલના સ્ટ્રક્ચર સાથે અથડાતા તેના બે ભાગ થઈ ગયા હતા. કારનો એક હિસ્સો રોડની એક તરફ અને બીજો હિસ્સો બીજી તરફ ફંગોળાયો હતો. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, જેને જેતપુર તાલુકા પોલીસે સ્થળ પર પહોંચી હળવો કરાવ્યો હતો.
કારમાં ત્રણ યુવક અને એક યુવતી સવાર હતા
પ્રાથમિક જાણકારી મુજબ, કારમાં ત્રણ યુવક અને એક યુવતી સવાર હતા. આ અકસ્માતમાંમુસ્કાન બગડા (યુવતી) અને અરુણ વાળા (યુવક) નામના બે વ્યક્તિઓના કરુણ મોત નીપજ્યા છે. અમિત પરમાર અને જયદીપ ચૌહાણ નામના બે યુવકોને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
પોલીસની કાર્યવાહી
ઘટનાની જાણ થતા જ જેતપુર તાલુકા પોલીસનો કાફલો હોસ્પિટલ અને ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ચારેય મિત્રો જૂનાગઢથી મેળાનો આનંદ માણી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે વહેલી સવારે કાળે તેમનો પીછો કર્યો હતો.
આ પણ વાંચો:Jasdan: ઘેલા સોમનાથ મંદિર શિવમય બન્યું, પાલખી યાત્રા, રુદ્રાભિષેક અને 1008 દીવડાના શૃંગાર સાથે મહાશિવરાત્રીની ઉજવણી