જૂનાગઢ–રાજકોટ હાઈવે પર આવેલા જેતલસર ચોકડી નજીક શનિવારે એક ગંભીર ટ્રિપલ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં એક ઈકો કાર, અર્ટિગા કાર અને એક ટેમ્પો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં અકસ્માતના સમગ્ર દ્રશ્ય સ્પષ્ટ રીતે જોવા મળે છે.
અકસ્માતમાં કુલ ત્રણ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા
મળતી માહિતી મુજબ, હાઈવે પર ત્રણેય વાહનો એકસાથે પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક નિયંત્રણ ગુમાવતાં ટક્કર થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ત્રણેય વાહનોને નુકસાન થયું હતું અને સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી. અકસ્માતમાં કુલ ત્રણ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે. ઘટના બાદ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.













