જૂનાગઢ શહેરમાં આવેલા વિલિંગ્ડન ડેમ ખાતે રવિવારે બપોરે એક કરુણ ઘટના પ્રકાશમાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, જૂનાગઢ તાલુકાના સુખપુર ગામના 42 વર્ષીય ચંદ્રિકાબેન હરેશભાઇ પરમાર નામના મહિલાએ અગમ્ય કારણોસર દાતાર પગથિયાં પાસે ડેમના ઊંડા પાણીમાં અચાનક ઝંપલાવીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ બનાવની જાણ થતાં ઇમરજન્સી નંબર 112 પર બચાવ કામગીરી માટે જાણ કરવામાં આવી હતી. રવિવારે બપોરે 12:32 કલાકે ફાયર કંટ્રોલ રૂમને મેસેજ મળતા જ ફાયર વિભાગના જવાનો ઘટનાસ્થળે દોડી ગયા હતા. વિલિંગ્ડન ડેમમાં મોટી સંખ્યામાં મગરો વચ્ચે ફાયર વિભાગના જવાનોએ પાણીમાં ઉતરીને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. ભારે જહેમત બાદ મહિલાના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. ફાયર વિભાગે મૃતદેહને બહાર કાઢીને આગળની કાર્યવાહી માટે પોલીસને સોંપ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફ્લો ડેમ ખાતે દોડીઆવ્યો હતો. પોલીસે મહિલાના મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે જૂનાગઢની હોસ્પિટલ ખાતે ખસેડયો હતો. મૃતક મહિલાએ કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીનેઆપઘાત પાછળનું સાચું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.
