જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના પિયાવા ગામે એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ધોરણ-10માં અભ્યાસ કરતા એક તરુણે પરીક્ષાના પેપર નબળા ગયા હોવાના ડર અને નાપાસ થવાની બીકે આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.


વિસાવદરમાં ધો.10ના છાત્રનો આપઘાત

મળતી માહિતી મુજબ, વિસાવદરના પિયાવા ગામે રહેતા અને ધોરણ-10ની પરીક્ષા આપી રહેલા કિશોરને છેલ્લા કેટલાક દિવસોથી પરીક્ષાના પેપર નબળા જવાની ચિંતા સતાવી રહી હતી. તેને મનમાં એવો ડર ઘર કરી ગયો હતો કે તે પરીક્ષામાં નાપાસ થશે. આ માનસિક તણાવમાં કિશોરે આજે પોતાની વાડીએ જઈને ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું.

 પુત્રના અવસાનથી પરિવાર પર આભ ફાટ્યું

આશાસ્પદ પુત્રના અકાળે અવસાનથી પરિવાર પર આભ ફાટ્યું છે. પરીક્ષાના પરિણામની ચિંતામાં કોઈ આટલું મોટું પગલું ભરી લેશે તેવું પરિવારે ક્યારેય ધાર્યું નહોતું. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો વાડીએ દોડી આવ્યા હતા અને વાતાવરણ ગમગીન બની ગયું હતું.

આ પણ વાંચો: Surat: શેરબજારના નામે 2.67 કરોડનું ફૂલેકું ફેરવનાર CAની પત્ની ઝડપાઈ, ખોટા લેજર રિપોર્ટ બતાવી આચરી હતી છેતરપિંડી

  • Follow us on: