એશિયાટિક સિંહોનું એકમાત્ર નિવાસસ્થાન ગણાતું સાસણ ગીર અભ્યારણ્ય તેના દુર્લભ દૃશ્યોને કારણે ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. ચોમાસા બાદ અભ્યારણ્ય ખુલ્યા પછી પ્રવાસીઓને સિંહોના નવજાત બચ્ચાંઓના દર્શન થઈ રહ્યા છે, ત્યારે એક નસીબદાર પ્રવાસી જૂથને તો એકસાથે 11 સિંહોના મેગા ફેમિલી ગ્રુપના દર્શનનો અદ્ભુત લ્હાવો મળ્યો હતો.
8 સિંહબાળ સાથે 3 સિંહણોનું મેગા ગ્રુપ
સોમવારે બપોરના સમયે સફારી રૂટ પરના આ દ્રશ્યએ પ્રવાસીઓને ચોંકાવી દીધા હતા. ભંભા ભોડ નાકાથી સુકા કડાયા વિસ્તાર તરફ જતા રૂટ પર ત્રણ પરિપક્વ સિંહણો અને તેમની સાથે આઠ નાના-નાના સિંહબાળ એમ કુલ 11 સિંહોનું એક મોટું ટોળું કેમેરામાં કેદ થયું હતું. સામાન્ય રીતે સિંહણો બે કે ત્રણના નાના જૂથમાં અથવા એકલી જ બચ્ચાંઓ સાથે જોવા મળે છે. પરંતુ આ વખતે ત્રણ સિંહણોએ મળીને જાણે એક વિશાળ સંયુક્ત પરિવાર બનાવ્યો હોય તેવો દુર્લભ નજારો પ્રવાસીઓને જોવા મળ્યો હતો. આખું ગ્રુપ રસ્તાની બાજુમાં બેફામપણે લટાર મારતું, રમતું-દોડતું અને માતાઓની આસપાસ ફરતું જોવા મળ્યું હતું.
મોબાઈલમાં કેદ થયો દુર્લભ નજારો
નાના બચ્ચાંઓની ચપળતા અને માતાઓની સતર્કતાથી ભરેલું આ અદ્ભુત દ્રશ્ય જોનાર પ્રવાસીઓ સ્તબ્ધ થઈ ગયા હતા. જીપ્સી ડ્રાઇવર વકાર રાણીયાએ આ સમગ્ર દ્રશ્ય પોતાના મોબાઈલમાં કેદ કર્યું હતું, જે હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. આવા દ્રશ્યો સાબિત કરે છે કે ગીરનું જંગલ હજુ પણ સિંહોના મોટા ટોળાઓનું આશ્રયસ્થાન છે. આ દુર્લભ અવલોકન સાસણ ગીરને વિશ્વના પ્રવાસીઓ માટે વધુ અનોખું અને આકર્ષક સ્થળ બનાવે છે.
આ પણ વાંચો: જાળિયા ગામે ગૌચર બચાવવા માલધારીઓનો વિરોધ, 2000 પશુઓ સાથે પ્રદર્શન