જૂનાગઢના વંથલી શહેરમાં આજે એક બેફામ બનેલા કારચાલકે માર્ગ પર ભારે હોબાળો મચાવ્યો હતો. વંથલીના વ્યસ્ત એવા આંબેડકર ચોક પાસે એક કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા અનેક વાહનો અને દુકાનોને અડફેટે લીધા હતા. આ ભયાનક અકસ્માતમાં 5 જેટલા લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે, જ્યારે દુકાનોના સામાનને પણ ભારે નુકસાન થયું છે. કારચાલક રસ્તા પર બેફામ ગતિએ ગાડી હંકારી રહ્યો હતો.
કારચાલકે અનેક બાઈકચાલકને લીધા અડફેટે
આંબેડકર ચોક પાસે પહોંચતા જ ચાલકે નિયંત્રણ ગુમાવ્યું હતું, જેના કારણે માર્ગ પરથી પસાર થઈ રહેલા અનેક બાઈકચાલકો કારની અડફેટે આવ્યા હતા. આટલેથી ન અટકતા, કાર ધડાકાભેર રસ્તાની બાજુમાં આવેલી દુકાનોમાં ઘૂસી ગઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે દુકાનોના સાઈનબોર્ડ અને બહાર રાખેલો સામાન કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ કાચ તોડીને અને કાટમાળ નીચે દબાયેલા ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા.
