ગુજરાત વન વિભાગને ઘોરાડ પક્ષીનાં (ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ) સંરક્ષણ બાબતે થોડા દિવસો પહેલા જ એક મોટી સિદ્ધિ મળી છે. જેમાં 'જમ્પ-સ્ટાર્ટ' ટેકનિક દ્વારા જન્મેલું ઘોરાડ પક્ષીનું બીજું બચ્ચું જન્મ પછીના કટોકટી જેવા ગણાતા 40 દિવસ સુધી જીવી ગયુ છે. આ એક મહત્વની સિદ્ધી ગણાય છે. આ જ સમયે ગુજરાત વન્યજીવ સરંક્ષણની સફ્ળતાનાં એક બીજા મોટા સમાચાર આવ્યા છે. ગુજરાતનાં ગીર જંગલમાંથી છ દાયકા પહેલા વિલુપ્ત થઇ ગયેલા ઇન્ડિયન ગ્રે હોર્નબિલ (ચિલોત્રો) પક્ષીને ફરી પાછા ગીરમાં વસાવવાનાં પ્રયત્નોને સફ્ળતા મળી છે. છ દાયકા પહેલા ગીરનાં જંગલમાંથી વિલુપ્ત થયેલા ચિલોત્રા પક્ષીને ફરી વખત વર્ષ 2021માં અરવલ્લીનાં જંગલોમાંથી લાવી ગીરમાં છોડવામાં આવ્યા હતા. રાજ્ય સરકારનાં આ ઇન્ડિયન ગ્રે હોર્નબિલ રિ-ઇન્ટ્રોડક્શન પ્રોજેકટને સફ્ળતા મળી છે. કેમ કે, આ પક્ષી હવે અહીં સ્થાયી થઇ ગયુ છે, એટલુ જ નહીં પણ તે અહીં માળા પણ બનાવે છે અને પ્રજનન પણ કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ, ભારતમાં વન્યજીવ સરંક્ષણનો એક નવો અધ્યાય શરૂ થયો છે. લુપ્ત થયેલા ચિત્તા, ઘોરાડ જેવા અનેક પ્રાણી-પક્ષીઓને ફરી વખત જંગલોમાં છોડાય છે. અને તેનું નિરીક્ષણ અને સંરક્ષણ કરાય છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો