ગુજરાતની શાન અને વૈશ્વિક ધરોહર ગણાતા ગીરના એશિયાટિક સિંહોના મોતના મામલાએ હવે રાષ્ટ્રીય સ્તરે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. જૂનાગઢ અને ગીરના જંગલોમાં સિંહોના મોતોનો આ ગંભીર મામલો હવે સીધો કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન કાર્યાલય સુધી પહોંચી ગયો છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સમગ્ર પરિસ્થિતિ પર ઝીણવટભરી નજર રાખી રહ્યા છે. વનમંત્રી અર્જુન મોઢવાડિયાએ આ અંગે પીએમઓને ગીર જંગલની વર્તમાન સ્થિતિ અને વન વિભાગ દ્વારા લેવાયેલા પગલાંઓની વિગતવાર સત્તાવાર જાણકારી આપી છે
પીએમઓ વન વિભાગ સાથે સીધા સંપર્કમાં
સિંહોના મોતના પગલે કેન્દ્ર સરકાર ગંભીર જોવા મળી છે અને પીએમઓ આ મામલે સતત રાજ્યના વન વિભાગ સાથે સીધા સંપર્કમાં છે. આ હાઈપ્રોફાઈલ બનેલા કેસની ગંભીરતા જોઈને વનમંત્રી અર્જુન મોઢવાડિયાએ તાકીદે ગીર જંગલની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે જામવાળા અને જસાધાર એનિમલ કેર સેન્ટરની મુલાકાત લઈ ત્યાંની વ્યવસ્થાઓની ચકાસણી કરી હતી.
ત્રણ દિવસથી ગીરમાં એક પણ સિંહનું મૃત્યુ નોંધાયું નથી
હાલમાં રાહતના સમાચાર એ છે કે વન વિભાગની રાઉન્ડ ધ ક્લોક કડક કામગીરીને કારણે છેલ્લા ત્રણ દિવસથી ગીરમાં એક પણ સિંહનું મૃત્યુ નોંધાયું નથી.
રિપોર્ટ માટે 7 દિવસની રાહ, કેર સેન્ટરો હાઈ એલર્ટ પર
વન વિભાગ તરફથી મળતી માહિતી મુજબ, સિંહોના મોતના ચોક્કસ કારણો જાણવા માટે લેવાયેલા સેમ્પલના રિપોર્ટની અત્યારે આતુરતાથી રાહ જોવાઈ રહી છે. આ હાઈ-લેવલ લેબોરેટરી રિપોર્ટ આવવામાં હજુ લગભગ ૭ દિવસ જેટલો સમય લાગી શકે છે. હાલના તબક્કે જામવાળા અને જસાધાર એનિમલ કેર સેન્ટરને સંપૂર્ણપણે હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે અને વન વિભાગનો સમગ્ર સ્ટાફ જંગલના ખૂણે-ખૂણામાં સિંહોના ટ્રેકિંગ અને મોનિટરિંગ માટે મેદાનમાં ઉતરી ગયો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત પ્રયાસોથી સિંહોની સુરક્ષા માટે તમામ જરૂરી આધુનિક પગલાં લેવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો---- Ahmedabad : મધ્ય ગુજરાતમાં કોંગ્રેસમાં કકળાટ, પ્રભારીને નેતાઓએ સંભળાવ્યું, ભલામણ વગર ટિકિટ નથી મળતી