જૂનાગઢ શહેર-જિલ્લા કોંગ્રેસ ભવનમાં આજે બપોર પછી એક સનસનાટીભરી ઘટના બની હતી. સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી દેવેન્દ્રસિંહ યાદવની આગેવાનો અને કાર્યકરો સાથે બેઠક ચાલી રહી હતી, તે સમયે વોર્ડ નંબર 15ના કોંગ્રેસના પૂર્વ વોર્ડ પ્રમુખ અને કાર્યકર દીપક મકવાણાએ અચાનક ફિનાઈલ પી લઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જેના પગલે સમગ્ર કોંગ્રેસ ભવનમાં ચકચાર મચી ગઈ હતી.


કાર્યકરના જ્ઞાતિવાદ રાખીને શોષણના ગંભીર આક્ષેપો

ફીનાઈલ ગટગટાવ્યા બાદ તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા દીપક મકવાણાએ ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. તેમણે જણાવ્યું કે તેઓ છેલ્લા 12 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે, પરંતુ શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશી અને તેમના પિતા પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ જોશી કોંગ્રેસમાં જ્ઞાતિવાદ ચલાવે છે.તેમને 2019 અને 2022ની મહાપાલિકાની ચૂંટણીમાં ટિકિટ માંગી હોવા છતાં ટિકિટ આપવામાં આવી નહોતી.આ અન્યાય અને શોષણથી કંટાળીને તેમણે જીવન ટૂંકાવી લેવાનો નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું.

શહેર કોંગ્રેસ પ્રમુખનો ખુલાસો બે વર્ષ પછી કેમ મુદ્દો ઉછાળ્યો?

આ સમગ્ર મામલે શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશીએ સ્પષ્ટતા કરી હતી.તેમણે જણાવ્યું કે બેઠકમાં જ્યારે આ ઘટના બની ત્યારે તેઓએ તુરંત દીપક મકવાણાને પોતાની ગાડીમાં હોસ્પિટલ પહોંચાડ્યા હતા.આપઘાતનો પ્રયાસ કરવાના મુદ્દે તેમણે કહ્યું કે દીપક મકવાણા 2019ની ચૂંટણી વખતે ભાજપમાં જોડાયા હતા અને ૨૦૨૨ની મનપા ચૂંટણી વખતે ફરીથી કોંગ્રેસમાં આવ્યા હતા.તેમણે તરત જ વોર્ડ નંબર-૧૫માં ટિકિટ માંગી હતી. જોશીએ સ્પષ્ટ કર્યું કે ટિકિટ આપવાનો અધિકાર ચૂંટણી પ્રભારી અને પ્રદેશ કક્ષાનો હોય છે.

હાલમાં દીપક મકવાણાની તબિયત સ્થિર

તેમના વોર્ડમાં અનામત સીટ અને મતદારોની સંખ્યાના આધારે અન્ય ઉમેદવારને ટિકિટ આપવામાં આવી હતી. તેમણે સવાલ ઉઠાવ્યો કે "જો તેમને ટિકિટ નહોતી મળી તો ત્યારે કશું ના બોલ્યા અને હવે છેક બે વર્ષ પછી આજે જ કેમ ટિકિટનો મુદ્દો ઉછાળ્યો તે અયોગ્ય છે. હાલમાં દીપક મકવાણાની તબિયત સ્થિર છે અને પોલીસ તથા મામલતદાર દ્વારા આ ઘટના અંગે તેમનું નિવેદન લેવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.

વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ 

  • Follow us on: