જૂનાગઢમાં ગેંડાગળ રોડ પર ટેલિફોન એક્સચેન્જ પાસે રહેતા એસટી વિભાગના નિવૃત્ત કર્મચારી 58 વર્ષીય વનરાજસિંહ ઝાલા અને તેમના 55 વર્ષીય પત્ની રેખાબા વનરાજસિંહ ઝાલાએ પોતાના ઘરે ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું છે.

તા. 17 સપ્ટેમ્બરના બપોરે 2 વાગ્યા પહેલા આ ઘટના બની હતી. મનીષસિંહ જોરાવરસિંહ ઝાલાએ પોલીસને જાણ કરી હતી કે, વનરાજસિંહ ઝાલાના ઘરમાં કોઈ કમાવાવાળું ન હોય, જેના કારણે આ દંપતી છેલ્લા ઘણા સમયથી માનસિક તણાવમાં રહેતું હતું. આર્થિક ભીંસ અને ભવિષ્યની ચિંતાના કારણે બંનેએ પોતાની મરજીથી ઘરે ઝેરી દવાના ટીકડા ખાઈ લીધા હતા.ઝેરી દવા પી લીધા બાદ દંપતીની હાલત લથડતા બંનેને તાત્કાલિક સારવાર અર્થે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલ પહોંચતા જ પત્ની રેખાબા ઝાલાનું મોત નીપજ્યું હતું, જ્યારે વનરાજસિંહ ઝાલા બેભાન અવસ્થામાં હતા. ત્યારબાદ સારવાર દરમિયાન પતિનું પણ મોત નીપજતા બંને પતિ-પત્નીએ દુનિયાને અલવિદા કહી દીધી છે. આ સમગ્ર બનાવ અંગે પીએસઆઇ ડી. બી. જોષીએ તપાસ હાથ ધરી છે.