જૂનાગઢ શહેરના સરદારબાગ ખાતે દર રવિવારે ભરાતું પ્રાકૃતિક કૃષિ ખેડૂતોનું આગવું બજાર આગામી સ્વાતંત્ર્ય પર્વે પાંચ વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યું છે. વર્ષ 2021માં શરૂ થયેલા આ બજારમાં જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરના ઉપયોગ વિના તૈયાર થયેલા તાજા લીલા શાકભાજી, અનાજ, કઠોળ અને તેલ વગેરે શુદ્ધ વસ્તુઓ શહેરીજનોને ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

આ બજાર માત્ર ખરીદ-વેચાણનું કેન્દ્ર નથી, પરંતુ ખેડૂતો અને ગ્રાહકો વચ્ચે પરસ્પર વિશ્વાસ અને સ્નેહનું પ્રતિક બની ગયું છે. અહીં વહેલી સવારે ખરીદી માટે આવતા ગ્રાહકો ખેડૂતો માટે ચા લઈને આવે છે, તો સામે ખેડૂતો ચોમાસાની ઋતુમાં ગ્રાહકોને ભજીયા ખવડાવીને એક અનોખો પારિવારિક સંબંધ નિભાવે છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર અને જૂનાગઢ આત્મા પ્રોજેક્ટ દ્વારા આ હાટની શરૂઆત કરવામાં આવી હતી. આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર ડી.જી. રાઠોડના જણાવ્યા મુજબ, પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને સીધું વેચાણ કરવાની તક મળે અને શહેરીજનોને શુદ્ધ વસ્તુઓ મળી રહે તેવા આશયથી આ પ્રયોગ હાથ ધરાયો હતો, જેને સફ્ળતા મળી છે.