જૂનાગઢમાં ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાના આજે ત્રીજા દિવસે જ શ્રાદ્ધાળુઓનો પ્રવાહ લગભગ થંભી ગયો છે. વહીવટી તંત્ર દ્વારા આ વર્ષે પરિક્રમામાં અંદાજે 15 લાખ જેટલા ભાવિકો ઉમટી પડવાની ધારણા વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ તેની સામે 7 લાખ જેટલા શ્રાદ્ધાળુઓ ઓછા નોંધાયા છે. આજે સાંજે 7 વાગ્યા સુધીમાં ત્રણ દિવસ દરમિયાન કુલ 7 લાખ યાત્રિકોએ નળપાણીની ઘોડી વટાવી છે, જ્યારે હાલ અંદાજે 1 લાખ જેટલા પરિક્રમાર્થીઓ રૂટ પર છે. પરિક્રમા વિધિવત રીતે પૂર્ણ થવાને હજુ બે દિવસની વાર છે, હજુ શ્રાદ્ધાળુઓએ તા.24 સુધી પ્રવેશ મળશે પણ તે પહેલાં જ ત્રીજા દિવસે ભાવિકોની આવવાની ભીડ નહિવત થઈ ગઈ છે અને મોટાભાગના લોકો પરિક્રમા પૂર્ણ કરી વતન તરફ્ રવાના થતા જોવા મળી રહ્યા છે. બીજી તરફ્, પરિક્રમા દરમિયાન આજે વધુ બે યાત્રિકોના હૃદયરોગના હુમલાથી મોત નીપજતા કુલ મૃત્યુઆંક 5 પર પહોંચ્યો છે.

ગત વર્ષોના આંકડા પર નજર કરીએ તો કોરોનાના સમયગાળા બાદ વર્ષ 2023માં સર્વાધિક 16.25 લાખ શ્રાદ્ધાળુઓએ પરિક્રમા કરી હતી, જ્યારે વર્ષ 2024માં 7.84 લાખ ભાવિકો નોંધાયા હતા. ગત વર્ષ 2025માં અતિભારે વરસાદને કારણે પરિક્રમા રદ્દ કરવાની ફરજ પડી હતી. આથી એક વર્ષના વિરામ બાદ આ વર્ષે ભાવિકોનું ઘોડાપૂર ઉમટશે તેવી ધારણાઓ સેવવામાં આવી રહી હતી, જે અમુક અંશે ખોટી સાબિત થઈ છે. આ વર્ષે ઓછો વરસાદ, પાક નિષ્ફ્ળ જવો અને પાણીની અછત સહિતના આર્થિક અને કૃષિલક્ષી કારણોને લીધે ગ્રામ્ય વિસ્તારોમાંથી શ્રાદ્ધાળુઓની સંખ્યામાં મોટો ઘટાડો થયો હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.

પરિક્રમા રૂટ પર શ્રાદ્ધાળુઓની સંખ્યા ઘટી જતા જીણાબાવાની મઢીથી આગળનો ધસારો લગભગ ઓસરી ગયો છે. મોટાભાગના અન્નક્ષેત્રોમાં યાત્રિકોની પાંખી હાજરી નોંધાતા ઉતારા મંડળ દ્વારા સમય કરતાં વહેલો પોતાનો સામાન સમેટવાની શરૂઆત કરી દીધી છે. રોજગારીની આશાએ આવેલા નાના ધંધાર્થીઓ પણ ઓછી ભીડ અને ઘરાકીના અભાવે નિરાશ થઈને આજે પોતાના વતન ભણી રવાના થતા જોવા મળ્યા હતા. દરમિયાન, ગઈકાલ સુધીમાં 3 શ્રાદ્ધાળુઓના હૃદયરોગના હુમલાથી મોત થયા બાદ આજે મહારાષ્ટ્રના પુણે અને કોલ્હાપુરના વધુ બે વૃદ્ધ પરિક્રમાર્થીઓના હૃદયરોગના હુમલાથી મોત નીપજતા શોકનું મોજું ફરી વળ્યું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો