જૂનાગઢમાં વોર્ડ નં.3ના ભાજપના કોર્પોરેટર અને તેના ભાઈ તેમજ તેના બે સાગરિત સહિત ચાર શખ્સો સામે લોકલ ક્રાઈમ બ્રાંચના પી.આઈ. દ્વારા એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ગુજસીટોક અન્વયે ગુનો નોંધાવવામાં આવતા ચકચાર મચી છે.
આ ગેંગે છેલ્લા 10 વર્ષ દરમિયાન શહેરમાં ખૂનની કોશિષ, પોલીસ પર હુમલો સહિતના ગંભીર પ્રકારના 28 જેટલા ગુનાઓમાં પોલીસ દફ્તરે નોંધાયેલા છે. જૂનાગઢ એલસીબી પી.આઈ.એ એ ડિવીઝન પોલીસમાં ગુજસીટોકની ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપી તરીકે મુખ્ય ગેંગ લીડર વોર્ડ નં.3ના ભાજપના પૂર્વ નગરસેવક અને સુખનાથ ચોકમાં જમાલ વાડી પાસે પીશોરી વાડીમાં રહેતા અસ્લમ ઉર્ફે લાલો ઈબ્રાહીમ ઉર્ફે ગેમ્બલર કુરેશી, તેમજ તેના ભાઈ અને હાલના ભાજપના કોર્પોરેટર અબ્બાસ ઈબ્રાહીમ કુરેશી, તેમજ તેના બે સાગરિત શાહબાઝ ઉર્ફે શહેબાઝ જાફ્ર કુરેશી અને ક્રીમ આમદ સીડા નામના ચાર ઈસમોનો સમાવેશ થાય છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર આ ગેંગના લીડર અસ્લમ કુરેશીની આગેવાનીમાં આ ટોળકીએ તા.3 જુલાઈ 2015 થી તા.20 જાન્યુઆરી 2026 સુધીમાં ખૂનની કોશિષ, ખંડણી માંગવી, બળજબરીથી પૈસા પડાવી લેવા 28 જેટલા ગુનાઓમાં પોલીસ દફ્તરે નોંધાયેલા છે.










