તાજેતરમાં ભાવનગર ખાતે રાજ્યકક્ષાની મોન્સુન થીમ આધારીત ફોટોગ્રાફી સ્પર્ધા કમ પ્રદર્શન યોજાયું હતું. જેમાં ચોમાસાના વિવિધ રંગો અને મિજાજને કેમેરાની નજરે કેદ કરતી ગુજરાતભરની તસ્વીરોનું સુંદર સર્જનાત્મક મિલન જોવા મળ્યું હતું. આ સ્પર્ધા કમ પ્રદર્શનમાં જૂનાગઢના પાંચ યુવા ફોટોગ્રાફરોએ પણ ભાગ લીધો હતો.

ગત તા.19 અને 20 ના રોજ ભાવનગરની ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરી ખાતે યોજાયેલ આ પ્રદર્શનમાં ગુજરાતના જાણીતા ચિત્રકારો અને ફોટોગ્રાફરોની કૃતિઓએ લોકોને મંત્રમુગ્ધ કર્યા હતાં. આ પ્રદર્શનમાં રાજ્યભરના ફોટોગ્રાફરોને વરસાદી ઋતુને પોતાની આગવી દ્રષ્ટિથી રજુ કરવાની તક મળી હતી. આ સમગ્ર આયોજનનો હેતુ માત્ર સ્પર્ધા યોજવાનો ન હતો પરંતુ રાજ્યના યુવા કલાકારો અને ફોટોગ્રાફરોને પોતાની સર્જનાત્મકતા રજુ કરવાનો ખુલ્લો અને યોગ્ય મંચ પુરો પાડવાનો પણ હતો. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે કોઈપણ પ્રકારની ફી રાખવામાં આવી ન હતી. સ્પર્ધાના અંતિમ દિવસે ચિત્રકલા અને ફોટોગ્રાફીના ત્રણેય વિભાગોમાં મળીને કુલ રૂ.1.5 લાખના ઈનામોનું વિતરણ કરાયું હતું. આ સાથે સ્પર્ધક બાળકોને પણ ઈનામો અને મોલમેન્ટો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં.