જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના રબારીકા ગામે સિંહણના હુમલામાં એક આધેડ ખેડૂતનું મોત નીપજતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. રબારીકા ગામના રહેવાસી વેલજીભાઈ નાગજીભાઈ દાફ્ડા (ઉં.વ. 55) પોતાના ખેતરમાં રાબેતા મુજબ ખેતીકામ કરી રહ્યા હતા, તે દરમિયાન અચાનક એક સિંહણે તેમના પર જીવલેણ હુમલો કરી દીધો હતો. સિંહણના આ ઓચિંતા હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ખેડૂત વેલજીભાઈનું મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે મૃતકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બનાવની જાણ થતાં જ વન વિભાગનો સ્ટાફ્ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત, આ વિસ્તારમાં ફરી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે હુમલાખોર સિંહણને ઝડપી પાડવા વન વિભાગ દ્વારા અલગ-અલગ સ્થળોએ પાંજરા ગોઠવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. વન વિભાગની ટીમો દ્વારા સિંહણનું લોકેશન મેળવવા માટે પણ સઘન તપાસ અને પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, વિસાવદર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી વન્યપ્રાણીઓના માનવ વસાહત તેમજ ખેતરોમાં આંટાફેરા અને હુમલાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. રબારીકા ગામે બનેલી આ કરુણ ઘટના બાદ સમગ્ર ગામમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોમાં ખેતરે જતા પણ ફ્ફ્ડાટ ફેલાયો છે, ત્યારે વન વિભાગ દ્વારા આસિંહણને વહેલી તકે પાંજરે પૂરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
