જૂનાગઢ

આજના સમયમાં વધુ નફા કમાવવાની લ્હાયમાં કેટલાક તત્વો લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા જરા પણ ખચકાતા નથી. જૂનાગઢ જિલ્લામાં આવા જ એક નકલી દૂધના કાળા કારોબારનો ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કરી નાગરિકોના સ્વાસ્થ્ય સાથે થતા મોટા ચેડાં અટકાવ્યા છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે જૂનાગઢ તાલુકાના ડુંગરપુર ગામના ચાંદની ચોક વિસ્તારમાં રહેતો ઈકબાલ ઈબ્રાહિમ ચૌહાણ નામનો શખ્સ પોતાના મકાનમાં જ નકલી દૂધ બનાવવાનો કારોબાર ચલાવી રહ્યો છે. આ હકીકતના આધારે પોલીસે ફૂડ વિભાગની ટીમને સાથે રાખીને દરોડો પાડયો હતો. સ્થળ પરથી દૂધનો પાવડર અને પામોલીન તેલનો ઉપયોગ કરીને બનાવટી દૂધ બનાવવાનું કૌભાંડ ઝડપાઈ ગયું હતું. આરોપીની સઘન પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. તે છેલ્લા ચાર-પાંચ મહિનાથી મેંદરડાના મયુર ટ્રેડર્સના મહેશ પાસેથી કાચો માલ ખરીદીને નકલી દૂધ બનાવતો હતો. તેલ અને પાવડરને પાણીમાં મિક્સ કરી ડુપ્લિકેટ દૂધ તૈયાર કરી, તેને અસલી દૂધમાં ભેળવી રોજનું આશરે 800 લિટર એટલે કે 20 થી 22 કેન દૂધ નાગલપુરની પ્રાઈવેટ ડેરીના ડાયા રબારી અને નાંદરખીની ડેરીના મિતુલ પટેલને વેચતો હતો. ત્યાંથી આ દૂધ માળિયા ચિલિંગ સેન્ટર અને વાડલા ફાટક પાસે આવેલી સોરઠ ડેરી સુધી પહોંચતું હોવાનું તપાસમાં ખૂલ્યું છે. પોલીસે દરોડા દરમિયાન રૂ. 1,750ની કિંમતનું 35 લિટર નકલી દૂધ, રૂ. 33,150 ના 13 પામોલીન તેલના ડબ્બા, રૂ. 16,500 ના સાગર દૂધ પાવડરના 50 પેકેટ, રૂ. 29,000 ના અમૂલ દૂધ પાવડરના 5 બાચકા અને રૂ. 6,240 નો લૂઝ પાવડર મળી કુલ રૂ. 86,640 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ફૂડ વિભાગે દૂધના નમૂના લઈ એફ્.એસ.એલ. કચેરી ખાતે મોકલી આપી, તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.