જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના માંડાવડ ગામે આવેલા આપના જિલ્લા પ્રમુખે દાદાગીરી કરી મજૂર પર હુમલો કર્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. પોલીસે આ મામલે એટ્રોસિટી અને છેડતી જેવી કડક કલમો હેઠળ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

માંડાવડ ખાતે મગફ્ળી ખરીદ કેન્દ્ર નંબર-3 પર ટેકાના ભાવે મગફ્ળી ખરીદીની પ્રક્રિયા ચાલી રહી હતી. આ દરમિયાન આપ જૂનાગઢ જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા તેમના અન્ય સાથીદારો સાથે ત્યાં પહોંચ્યા હતા. મગફ્ળી તોલવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી થતા મામલો ઉગ્ર બન્યો હતો. ફરિયાદમાં જણાવ્યા મુજબ, ઉશ્કેરાયેલા હરેશ સાવલિયા, ભદ્રેશભાઈ અને રવિભાઈ ડોબરીયાએ ત્યાં કામ કરતા મજૂર સાથે ઝઘડો કરી તેને માર માર્યો હતો.

વાત માત્ર મારામારી સુધી સીમિત રહી ન રહેતા આરોપીઓએ મજૂરને તેની જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી હડધૂત કરી મજૂરની પત્ની સાથે પણ અસભ્ય વર્તન કરી છેડતી કર્યાના ગંભીર આક્ષેપો ફરિયાદમાં કરવામાં આવ્યા છે. ભોગ બનનાર શ્રામિકે આ અંગે વિસાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે બનાવની ગંભીરતાને ધ્યાને લઈ આ કેસની તપાસ તાત્કાલિક અસરથી જૂનાગઢ SC/ST સેલના ડીવાયએસપી રને સોપાઈ છે. હાલમાં પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ ફરિયાદના પગલે આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે હાજર થવા પહોંચ્યા હતા. જ્યાં ધારાસભ્યએ પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે તેઓ સાચી ફરિયાદ લઈને આવ્યા છે પરંતુ પોલીસ તે સાંભળતી નથી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: