ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનો પ્રભાવ વિદેશીઓને પણ ખૂબ આકર્ષે છે અને આધ્યાત્મિક અનુભવો પ્રાપ્ત કરવા માટે ભારતની પાવન ભૂમિ સુધી દોરી લાવે છે. આ જ રીતે બ્રાઝિલથી ભારત આવેલા સાધ્વીજીએ મહાકુંભ મેળામાં સહભાગી થયા બાદ હવે ગિરનારની લીલી પરિક્રમા કરી અનોખી આધ્યાત્મિક અનુભૂતિ મેળવી છે.
પોતાના અનુભવ અંગે જણાવતા બ્રાઝિલના સાધ્વીજીએ કહ્યું હતું કે, તેમને પહેલેથી જ વાંચનનો ખૂબ શોખ રહ્યો છે. ભગવદ ગીતા અને પોતાના ગુરુના પુસ્તકોના વાંચનથી તેમનામાં ભારતીય આધ્યાત્મિકતા પ્રત્યે ઊંડો રસ જાગ્યો હતો. આ આધ્યાત્મિક જોડાણને પગલે જ તેમણે મહાકુંભ મેળામાં સહભાગી થવાની ઇચ્છા સાથે ભારત આવવાનો નિર્ણય કર્યો હતો. હાલ તેમને ભારત આવ્યાને એક વર્ષ પૂર્ણ થયું છે અને હવે તેઓ ગિરનારની લીલી પરિક્રમામાં જોડાયા છે.
