ગિરનારના જંગલને અડીને આવેલા જૂનાગઢ શહેરમાંમાનવવસ્તી અને વન્યજીવો વચ્ચેનો સંઘર્ષ ચિંતાજનક સ્તરે પહોંચ્યો છે. જંગલમાં વિસ્તાર ઘટવાથી કે વસ્તી વધારાને કારણે સિંહ અને દીપડાઓ હવે શહેરના વિસ્તારોમાં આવી રહ્યા છે. ઐતિહાસિક ઉપરકોટ અને જવાહરવાડી વિસ્તાર બાદ હવે બિલખા રોડ પર આવેલી રેન્જ આઇ.જી. કચેરીને અડીને આવેલા જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના મુખ્ય દરવાજા અને ગ્રાઉન્ડમાં એક દીપડો ખુલ્લેઆમ લટાર મારી રહ્યો છે.આ તાલીમ ભવન પરિસરમાં આવેલી હોસ્ટેલમાં 100 જેટલી મહિલા તાલીમાર્થીઓ રહે છે.

જૂનાગઢમાં દીપડાની અવરજવર યથાવત જોવા મળી રહી છે. તાજેતરમાં મેઘાણીનગર નજીક એક દીપડો દેખાયો હતો. ત્યાં હવે જિલ્લા શિક્ષણ તાલીમ ભવન નજીક દીપડો દીવાલ પર ચઢી જતો જોવા મળ્યો, જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા છે. દરરોજ રાત્રે દીપડાની અવરજવરથી આસપાસના વિસ્તારના લોકોમાં ભય અને ફ્ફ્ડાટનો માહોલ છે. નાગરિકો સુરક્ષા વધારવા અને વનવિભાગની તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. વનવિભાગે સ્થળની તપાસ હાથ ધરી છે.