માળીયાહાટીના તાલુકાના નાના એવા તરસિંગડા ગામમાં 80 વર્ષના લેઉવા પટેલ સમાજના વડીલ જેરામભાઈ રામજીભાઈ પટોડીયાની વૃક્ષો પર્યાવરણ પ્રત્યે અનોખી જોવા મળી છે. તેઓ 80 વર્ષના હોવા છતાં ગામ ના સ્મશાન માં છેલ્લા પાંચ-પાંચ વર્ષથી વૃક્ષો ઉછેરવાની સવારે 3 કલાક અને બપોરે 3 કલાક આમ દરરોજ છ-છ કલાક સેવા કરે છે. તેમણે ગામના લોકોના સહકારથી પાંચ વર્ષ પહેલા 50થી વધુ વૃક્ષો વાવી સ્મશાનને હરિયાળુ બનાવી દીધુ છે.
જેરામભાઈ પટોળિયાએ ગામના સેવાભાવી લોકો રતિભાઈ ઝાલાવાડીયા, કડવાભાઈ પદમાણી અને સરપંચ પ્રવિણભાઈ સગરની મદદ લઈને 5 વર્ષ પહેલા ગામના સ્મશાનમાં બે વિઘા જેટલી જમીનમા પીપળો, લીંબડો, ઉમરો, પીપર, ત્રાગવડ સહિતના 50 થી પણ વધારે વૃક્ષો ગામના સાથ સહકારથી વાવ્યા હતા. આ તમામ વૃક્ષોને ઉછેરવા માટે તેમણે ભારે જહેમત કરે છે. સવારે 3 કલાક અને બપોરે 3 કલાક પોતાના ધંધા રોજગાર મૂકીને વૃક્ષોને પાણી આપવું, સાફ સફાઈ સહિતની અનેક સેવા કરે છે અને આજે 5 વર્ષમાં વૃક્ષોને ઉછેરીને મોટા કરી દીધા છે. પાંચ વર્ષમાં સ્મશાનની રોનક બદલી નાખી છે. સ્મશાનમાં ચારેકોર લીલાછમ વૃક્ષો જોવા મળે છે. આ સ્મશાન ફરવા લાયક સ્થળ જેવું બની ગયું છે. જ્યારે તેમના નાનાભાઈ ધીરુભાઈ પટોડીયા પણ ગૌશાળાનું સંચાલન કરીને ગાયોની સેવા કરે છે.આમ નાના એવા તરસિંગડા ગામના આ સેવાભાવીએ આજુબાજુના ગામડાઓમાં સેવાના ભેખધારી પર્યાવરણ પ્રેમી વૃક્ષ પ્રેમી તરીકેની નામના મેળવી છે.
