જૂનાગઢ મહાનગર ભાજપમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલો આંતરિક અસંતોષ હવે જાહેરમાં આવ્યો છે. ભાજપ યુવા મોરચાના પૂર્વ ઉપપ્રમુખ તેજસ જોષીએ સોશિયલ મીડિયાના માધ્યમથી સંગઠન સામે ગંભીર આક્ષેપો કરતા રાજકીય ખળભળાટ મચી ગયો છે. તેમણે જણાવ્યું હતું કે, પક્ષમાં સમર્પિત કાર્યકરોની અવગણના કરીને માત્ર 'લગતા-વળગતા' લોકોને જ હોદ્દાઓ લહાણી કરવામાં આવી રહ્યા છે. જોષીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કામ કરવાનું તેમને ગૌરવ છે, પરંતુ જૂનાગઢ ભાજપની વર્તમાન પરિસ્થિતિમાં નિષ્ઠાપૂર્વક કામ કરવું હવે શક્ય રહ્યું નથી.
ભાજપમાં ભડકો
તેજસ જોષીએ જૂનાગઢની વર્તમાન દયનીય સ્થિતિ માટે પૂર્વ પ્રમુખ પુનિત શર્માને સીધા જવાબદાર ઠેરવ્યા છે અને આક્ષેપ કર્યો છે કે શહેરને 'ખોદવાનું' કામ તેમના શાસનમાં થયું છે. એટલું જ નહીં, તેમણે વર્તમાન પ્રમુખ ગૌરવ રૂપારેલિયાને પણ 'સાવધાન' રહેવાની ચેતવણી આપી છે. આ આક્ષેપોને પગલે જૂનાગઢના વરિષ્ઠ નેતાઓમાં દોડધામ મચી ગઈ છે. સંગઠનની જૂથબંધી હવે સપાટી પર આવતા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભાજપ માટે ડેમેજ કંટ્રોલ કરવું અનિવાર્ય બન્યું છે.
