સોરઠમાં છેલ્લા કેટલાક સમયથી ઓછા વજનનું સોનું ધાબડીને સોની વેપારીઓ સાથે લાખોની ઠગાઈ કરતી બિહારની બંટી બબલીની જોડીને આખરે વડોદરાથી ઝડપી લેવામાં આવી છે.
પ્રાથમિક પૂછતાછમાં બંનેએ અત્યાર સુધીમાં દેશના 15 રાજ્યોના 56 શહેરોમાં 900 ગ્રામ જેટલું સોનું મેળવી વેપારીઓ સાથે ઠગાઈ કરી છે. એસપીએ જણાવ્યું કે, થોડા દિવસો પહેલાં ચેમ્બર ઓફ્ કોમર્સ અને સોની વેપારીઓએ રજૂઆત કરી હતી કે, એક પુરુષ અને એક મહિલા ઓછા વજનનું સોનું વેચવા આવીને તેના વજનના પ્રમાણના ઓછા વજનના સોનાના દાગીના અને રોકડ રકમ લઈને છેતરપિંડી કરી રહ્યા છે. જે અંગે જૂનાગઢમાં ન્યુ ગીરીરાજ જવેલર્સ અને કેશોદમાં પાલા જવેલર્સ નામના સોની વેપારીઓની ફરિયાદ નોંધીને તપાસ એલસીબીને સોંપી હતી. પોલીસે તે બંનેના ફેટો અને ટેકનિકલ સોર્સની મદદથી વડોદરાથી ઝડપી લીધા હતા. બિહારના રહેવાસી ધર્મેન્દ્ર ફગુ મખરું શાહુ ઉ.48 અને કિરણદેવી સંજયભાઈ જોરજર યાદવ ઉ.41ની ધરપકડ કરીને કેશોદ પોલીસને સોંપ્યા છે. બંનેએ જૂનાગઢ, કેશોદ, મેંદરડા, જેતપુર સહિતના અનેક શહેરોમાં આવી રીતે ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે. હાલ સોના-ચાંદીમાં માર્કેટ રેટ ખૂબ જ ઉંચો હોવાથી નવી ખરીદી નહિવત છે. લગ્નગાળો હોય જુના દાગીનાનું વેચાણ કરી તેની સામે ઓછા વજનના ત્રણ કે ચાર દાગીના લઈ જવાની પ્રથા અસ્તિત્વમાં આવી છે. આ નવી સ્થિતિને કારણે સોની વેપારીઓ સાથે છેતરપીંડી થવાના કિસ્સાઓ વધ્યા છે. જેમાં મોટે ભાગે જુનવાણી સોનાના હાર, હાંસડી જેવા દાગીનાઓનો ઉપયોગ કરવામાં આવે છે.










