જૂનાગઢમાં આવતીકાલે મહાપાલિકાના વોર્ડ નંબર-3 ની એક બેઠક માટે ચુંટણી યોજાનાર છે, જેમાં આ વિસ્તારમાં 12 વર્ષ પછી મતદાન થશે, છેલ્લા વર્ષનો ચૂંટણીમાં અહીની બેઠક સતત બિનહરીફ થતી આવી છે, પરંતુ આ વખતે વર્ષો પછી એક સીટ માટે મુખ્ય પક્ષો ભાજપ-કોંગ્રેસ અને આપ એમ ત્રણેય પક્ષના ઉમેદવારો મેદાનમાં હોય આવતીકાલે અહી ત્રિપાંખિયો જંગ ખેલાશે. કાલે 18 બુથ ઉપર 13919 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

જૂનાગઢ મહાપાલિકાના વોર્ડ-3 ની એક બેઠક માટે આવતીકાલે મતદાન છે, આ બેઠક ગત ચૂંટણીમાં ભાજપને બિનહરીફ મળી હતી, અહી ભાજપના નગરસેવક અબ્બાસ ઈબ્રાહીમ કુરેશી બિનહરીફ થયા હતા, પરંતુ તેમની સામે ગુજસીટોકનો ગુનો નોધાયા પછી તેઓ મહાપાલિકાની સાધારણ સભામાં સતત ત્રણ વખત ગેરહાજર રહેતા તેમને મ્યુ.કમિશનરે નિયમ અનુસાર તેમના સભ્ય પદેથી ગેરલાયક ઠેરવ્યા હતા, અને આ બેઠક ખાલી પડતા આવતીકાલે મતદાન થશે. આ વિસ્તારમાં છેલ્લા 12 વર્ષમાં ક્યારેય મતદાન થયું નથી.

આવતીકાલે સવારે 7 વાગ્યાથી સાંજના 6 કલાક સુધી મતદાન થશે, જેના માટે આ વોર્ડમાં તંત્ર દ્વારા કુલ 18 બુથ ઉભા કરવામાં આવ્યા છે, અને કુલ 13919 મતદારો નોધાયેલા છે, સાથે આજે ચુંટણી પ્રકિયા માટે ચુંટણી ફરજના 150 થી વધુનો સ્ટાફ ઈવીએમ સાથે ફરજ પર રવાના થયો છે, મતદાન માટે કુલ 18 ઈવીએમની ફાળવણી કરવામાં આવી છે. તો શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે માટે એક ડીવાયએસપી, બે પી.આઈ, 4 પીએસઆઈ, 98 પોલીસકર્મી, 3 ગેસમેન, અને 5 વિડીયોગ્રાફીમાટેનો સ્ટાફ નિયુક્ત કરવામાં આવ્યો છે.

આ બેઠકની ચુંટણીનું પરિણામ આગામી તા.30 જુલાઈએ સવારે 9 વાગ્યાથી જાહેર કરવામાં આવશે, આ બેઠક ઉપર કોઇપણ પક્ષ વિજેતા બને તેની અસર જૂનાગઢ મહાપાલિકાની સતા ઉપર જરા પણ પડે તેમ નથી, આ એક બેઠક હાંસલ કરવા માટે ભાજપના અકરમ ઈબ્રાહીમ કુરેશી (પીશોરીવાડા), કોંગ્રેસના અશરફ ઈબ્રાહીમ કુરેશી (મુલ્લાવાડા), અને આપમાંથી મહેબુબ અલારખા પંજા (બુકર ફળિયા) મેદાનમાં ઉતર્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો