માણાવદર પટેલ સમાજ ખાતે આજે કુર્મી સેનાના કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં માણાવદર તાલુકાના વિવિધ ગામોમાં વસવાટ કરતા પાટીદાર સમાજના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સમાજ ઉત્કૃષ્ટ સંગઠન અને સહયોગનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું.

કુર્મી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ જિગ્નેશ કલાવડિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતના પાટીદાર સમાજ અને ઉત્તર પ્રદેશના કુર્મી પટેલ સમાજ વચ્ચે સામાજિક, સાંસ્કૃતિક તેમજ 'રોટી-બેટી'ના વ્યવહારો કાયમ થાય તે માટે આ આયોજન કરવામાં આવ્યું હતું. આ વિચારને લોકો સમક્ષ મૂકવા માટે ઉત્તર પ્રદેશથી વરિષ્ઠ સામાજિક આગેવાનોનું એક ખાસ પ્રતિનિધિ મંડળ માણાવદર આવ્યું હતું.યુપીથી આવેલા આગેવાનોએ જાહેર કર્યું હતું કે, તેઓ સરદાર વલ્લભભાઈ પટેલના વારસદાર અને વંશજ તરીકે ગુજરાત સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા છે. આવનારા સમયમાં ગુજરાતના પાટીદારો અને ઉત્તર પ્રદેશના કુર્મી પટેલો વચ્ચે વેપાર-રોજગાર અને શાદી-બ્યાહ જેવા સંબંધો વધુ મજબૂત બને તે માટે બંને પક્ષે સંયુક્ત પ્રયાસો કરવામાં આવશે.

બંને સમાજ એકબીજાની નજીક આવે અને સામાજિક તેમજ સાંસ્કૃતિક આદાન-પ્રદાન સરળ બને તે હેતુથી એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી. યુપીના આગેવાનો દ્વારા ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે 5 એકર જમીનમાં ખાસ 'કમ્યુનિકેશન સેન્ટર' બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.

આ અંગે માણાવદરના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીએ જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશ સહિત દેશના અન્ય રાજ્યોમાંથી આવેલા પાટીદાર સમાજના લોકો સાથે આપણા રોટી-બેટીના સામાજિક સંબંધો મજબૂત બને તે અત્યંત જરૂરી છે. ગુજરાતના લેઉવા-કડવા પટેલ હોય કે અન્ય રાજ્યના મરાઠા, ગુર્જર કે રેડ્ડી સમાજ-આપણે સૌ સરદાર પટેલના જ વંશજો છીએ. સામેથી આવેલા આ બંધુઓ સાથે આપણે દૂધમાં સાકર ભળે તેમ એક થઈને સમાજનું ગૌરવ વધારવું જોઈએ

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો