જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત ડિસ્ટ્રિક્ટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર જન્મજાત ખામી, હૃદયની બીમારી કે શારીરિક-માનસિક વિકાસની અડચણો સાથે સંઘર્ષ કરતા બાળકો માટે આશાનું કિરણ સાબિત થઈ રહ્યું છે. તબીબી અધિક્ષક ડો. કૃતાર્થ બ્રહ્મભટ્ટ અને પીડીયાટ્રીક્સ વિભાગના વડા ડો. નિયતિ મહેતાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ DEIC સેન્ટરની ટીમે કુલ 4,184 બાળકોની સફ્ળતાપૂર્વક સારવાર કરી છે. ખાનગી હોસ્પિટલોનો ખર્ચ ન ઉઠાવી શકતા સામાન્ય પરિવારો માટે આ સેન્ટર આશીર્વાદરૂપ બન્યું છે. સેન્ટર દ્વારા જન્મજાત હૃદયની ખામી ધરાવતા 192 બાળકોના હૃદયની સફ્ળ સારવાર કરાઈ છે, જેમાં 1 વર્ષથી નાના 41 શિશુઓનો સમાવેશ થાય છે. વયજૂથ મુજબ 1 વર્ષથી નાના 758 શિશુઓ, 1 થી 3 વર્ષના 531 બાળકો, 4 થી 6 વર્ષના 742 બાળકો અને 6 થી 18 વર્ષના 2,153 બાળકો તથા કિશોરોને સારવાર આપવામાં આવી છે. દંત ચિકિત્સા વિભાગમાં ડેન્ટલ મેડિકલ ઓફ્સિર ડો. ચિરાગ રાજપુરાની ટીમે 1,330 બાળકોના દાંતની તકલીફોનું નિવારણ કર્યું છે. ફિઝિયોથેરાપી વિભાગમાં ડો. પિયુષા સોલંકી દ્વારા શારીરિક વિકાસમાં મુશ્કેલી અનુભવતા 391 બાળકોને કસરત આપીને સક્ષમ બનાવાયા છે. આ ઉપરાંત અર્લી ઇન્ટરવેન્શનિસ્ટ હેમેન્દ્રભાઈ પરમાર દ્વારા 285 બાળકોને વિશેષ તાલીમ આપીને સમાજના મુખ્ય પ્રવાહમાંજોડવાનું ઉમદા કાર્ય કરાયું છે.
