હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, જે ભગવાન શિવની ભક્તિ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ સમયે ગુજરાતના જૂનાગઢમાં આવેલાં અનેક શિવાલયોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. ભક્તો ભાવપૂર્વક ભગવાન શિવનું પૂજન-અર્ચન કરવા માટે શિવ મંદિરોમાં ઉમટી રહ્યા છે. આ શિવાલયોમાં શિવલિંગ પર જળાભિષેક અને બીલીપત્ર ચઢાવવાનું અનેરું માહાત્મય છે. જૂનાગઢ, જે ગિરનાર પર્વતની તળેટીમાં વસેલું ઐતિહાસિક શહેર છે, તે ધાર્મિક અને આધ્યાત્મિક દૃષ્ટિએ પણ અગ્રીમ સ્થાન ધરાવે છે. આ શહેરમાં ઘણાં પ્રાચીન અને પવિત્ર મંદિરો આવેલાં છે, જેમાંથી પ્રેરણાધામ લાલ ગેબી આશ્રમ ખાસ મહત્વ ધરાવે છે. આ આશ્રમ ભારતના 12 જ્યોતિર્લિંગોની પ્રતિકૃતિ ધરાવતું એક અનોખું શિવ મંદિર છે, જે ભક્તોને એક જ સ્થળે સમગ્ર ભારતની જ્યોતિર્લિંગ યાત્રાનો અનુભવ કરાવે છે.

એક અનોખું યાત્રાધામ જૂનાગઢમાં પ્રેરણાધામ આશ્રમ ખાતે આવેલું શિવ મંદિર ભારતના 12 જ્યોતિર્લિંગોની પ્રતિકૃતિ ધરાવે છે, જે ભક્તો માટે એક અનોખું આકર્ષણ છે. અહીં એક જ સ્થળે તમામ જ્યોતિર્લિંગોના દર્શનનો લાભ મળે છે, જે જૂનાગઢના અન્ય કોઈ મંદિરમાં ઉપલબ્ધ નથી. આ મંદિર શિવ ભક્તો માટે આધ્યાત્મિક શાંતિ અને દિવ્ય અનુભૂતિનું કેન્દ્ર છે. આ મંદિરની વિશેષતા એ છે કે અહીં ભારતના 12 જ્યોતિર્લિંગો-સોમનાથ, મલ્લિકાર્જુન, મહાકાળેશ્વર, ઓમકારેશ્વર, કેદારનાથ, ભીમાશંકર, કાશી વિશ્વનાથ, ત્રયંબકેશ્વર, વૈદ્યનાથ, નાગેશ્વર, રામેશ્વરમ અને ઘૃષ્ણેશ્વર-ની પ્રતિકૃતિ શિવલિંગ રૂપે સ્થાપિત કરવામાં આવી છે. આ લિંગોનું દર્શન કરવાથી ભક્તોને એવું અનુભવાય છે કે તેઓએ દેશભરના તમામ જ્યોતિર્લિંગોની યાત્રા કરી લીધી. શ્રાવણ માસમાં આ મંદિરનું મહત્વ વધુ વધી જાય છે.