માણાવદરના પ્રસિદ્ધ ત્રંબકેશ્વર મહાદેવ મંદિર પાસે ભૂગર્ભ ગટરની ટાંકી તૂટી જતાં દુર્ગંધયુક્ત દૂષિત પાણી ફેલાઈ રહ્યું છે. જેના કારણે દર્શનાર્થીઓ અને સ્થાનિકો મુશ્કેલી ભોગવી રહ્યા છે. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, ગંદુ પાણી તળાવ અને બાંટવા ખારા ડેમમાં ભળવાથી કાચબા-માછલી જેવા જળચર જીવોના મોત થઈ રહ્યા છે અસહ્ય દુર્ગંધ અને મચ્છરોના ઉપદ્રવના કારણે શ્રદ્ધાળુઓએ મોં પર રૂમાલ રાખીને પસાર થવું પડે છે. નગરપાલિકાની આ બેદરકારીથી સ્થાનિકો અને શિવભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, ગટરનું દૂષિત પાણી તળાવ અને બાંટવા ખારા ડેમમાં ભળી રહ્યું છે. જેના કારણે તળાવમાં રહેલા કાચબા અને માછલીઓ સહિતના જળચર જીવોના મોત થઈ રહ્યા છે તેમજ સમગ્ર વિસ્તારમાં રોગચાળો ફેલાવાનો ભય ઊભો થયો છે. આગામી સમયમાં પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો હોય, મંદિરે ભક્તોની મોટી ભીડ ઉમટશે. જેને ધ્યાને રાખી નગરપાલિકા તૂટેલી ગટરનું તાત્કાલિક રિપેરિંગ કરી સમસ્યાનો કાયમી ઉકેલ લાવે તેવી લોકમાંગ છે.