જૂનાગઢ : દિવાળીના તહેવારો દરમિયાન ગીર અને ગિરનાર જંગલ વિસ્તારમાં પ્રવાસીઓની અવરજવરમાં નોંધપાત્ર વધારો થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને વન વિભાગે સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી છે. વન્યપ્રાણીઓની સુરક્ષા માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજીને પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. સિંહ સહિત વન્યપ્રાણીઓને હેરાન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે. ગીર પશ્ચિમ વિભાગ હેઠળ મેંદરડા અને વિસાવદર રેન્જ તેમજ ગીર જંગલના અન્ય ડિવિઝનોમાં વનકર્મીઓ દ્વારા નિયમિત ફ્લેગ માર્ચ અને પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ગિરનાર જંગલ વિસ્તારની આસપાસ પણ વન વિભાગનું સ્ટાફ્ સતત સતર્ક રહીને પેટ્રોલિંગ કરી રહ્યું છે. સ્થાનિક લોકો અને પ્રવાસીઓને વન્યજીવ સંરક્ષણ અંગે જાગૃત કરવાનું કાર્ય પણ ચાલુ છે. વન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે ગીર અને ગિરનાર માત્ર પ્રવાસન સ્થળો નથી, પરંતુ એશિયાટિક સિંહો સહિત અનેક વન્યજીવોનું કુદરતી રહેઠાણ છે. દિવાળીની ઉજવણી દરમિયાન વન્યજીવોને કોઈપણ પ્રકારની રંજાડ ન થાય અને તેમનું કુદરતી વાતાવરણ સુરક્ષિત રહે તે માટે પ્રવાસીઓ અને સ્થાનિક લોકોને સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે. પ્રવાસીઓ કે સ્થાનિકોએ સિંહ કે અન્ય વન્યપ્રાણીની પાછળ દોડવું નહીં, તેમને હેરાન કરવા નહીં કે તેમની કુદરતી પ્રવૃત્તિઓમાં ખલેલ પહોંચાડવી નહીં તેવી સૂચના આપવામાં આવી છે. જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવેશ અને પ્રતિબંધિત પ્રવૃત્તિઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. વન્યપ્રાણીઓને હેરાન કરવા અથવા તેમના રહેઠાણમાં ખલેલ પહોંચાડવા બદલ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનાની ગંભીરતા મુજબ બે લાખ રૂપિયા સુધીનો દંડ અને એકથી સાત વર્ષ સુધીની કેદની જોગવાઈ છે.
