જૂનાગઢ : ગત વર્ષે ભારે વરસાદને કારણે ગિરનારની 36 કિલોમીટરની પરંપરાગત લીલી પરિક્રમા રદ્દ કરવામાં આવી હતી. આ વર્ષે પરિસ્થિતિ સાવ વિરોધાભાસી છે. ઓછા વરસાદને લીધે પરિક્રમા માર્ગ પર પાણીની તીવ્ર અછત સર્જાઈ છે. જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર આ સમસ્યાને પહોંચી વળવા માટે કૃત્રિમ રીતે પાણીના નવા સ્ત્ર્રોત ઉભા કરવાની કવાયતમાં જોડાયું છે. ગિરનાર અભયારણ્યમાં જ્યારે ધોધમાર વરસાદ પડે અને ચોમાસું સારું જાય ત્યારે જંગલ વિસ્તારમાં પરિક્રમાના રૂટ પર નદી-નાળા, જળાશયો, નાના-મોટા ચેકડેમ અને ઝરણાઓ ખળખળ વહેતા જોવા મળે છે. આ કુદરતી સ્ત્ર્રોતો યાત્રિકો અને પર્યટકો માટે પાણીની સુવિધા પૂરી પાડે છે. પરંતુ આ વર્ષે વરસાદ ઓછો પડયો હોવાથી તમામ કુદરતી સ્ત્ર્રોત સુકાઈ ગયા છે. જંગલનો વિસ્તાર સૂકા ભઠ્ઠા સમાન દેખાઈ રહ્યો છે. પરિક્રમા માર્ગ પર પાણીની અછતના સ્પષ્ટ એંધાણ વર્તાઈ રહ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્રે કૃત્રિમ પાણીના સ્ત્ર્રોત વિકસાવવાની તૈયારીઓ શરૂ કરી છે. પરિક્રમા સમયે યાત્રિકોને પાણીની મુશ્કેલી ન પડે તે માટે વહીવટી મશીનરી સક્રિય છે. ગિરનારની લીલી પરિક્રમા આસ્થા અને પ્રકૃતિનું અનોખું મિશ્રણ છે. પરંતુ કુદરતી સ્ત્ર્રોતો સુકાઈ જવાથી આ વર્ષે તેને વહીવટી સહાયની જરૂર પડી રહી છે. વહીવટી તંત્રના પ્રયાસોથી પરિક્રમા નિર્વિઘ્ને થઈ શકે તેવી અપેક્ષા છે.
