માળિયા હાટીનામાં આરોગ્ય વિભાગની ટીમે છેવાડાના વિસ્તારોમાં અને ઝૂંપડાં સુધી પહોંચીને શ્રમિકોને ઘર આંગણે આરોગ્ય સેવાઓ આપી રહ્યુ છે. માળિયાહાટીના તાલુકા આરોગ્ય કચેરી દ્વારા તાલુકાના છેવાડાના વિસ્તારો તેમજ અન્ય વિસ્તારોમાંથી રોજીરોટી અર્થે આવતા પરપ્રાંતીય અને સ્થાનિક ખેતમજૂરો-શ્રમિકોના આરોગ્યની સુખાકારી માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું તાલુકા હેલ્થ ઓફ્સિર ડૉ. ડાભી ના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગની ટીમો દ્વારા છેવાડાના વિસ્તારો, વાડી વિસ્તારો તેમજ ખેતરોમાં બનાવેલા ઝૂંપડાંઓ સુધી પહોંચીને આરોગ્યલક્ષી સેવાઓ પુરી પાડવામાં આવી રહી છે. આ કામગીરી અંતર્ગત આરોગ્ય કર્મચારીઓ દ્વારા રૂબરૂ મુલાકાત લઈ મુખ્યત્વે સગર્ભા માતાઓ અને ધાત્રી માતાઓની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. જેમાં માતા અને બાળકના સ્વાસ્થ્યની સ્થિતિની ચકાસણી, રસીકરણની સ્થિતિની સમીક્ષા, લોહીની ટકાવારી (હિમોગ્લોબિન) માપણી તેમજ જરૂરી આયર્ન-ફોલિક એસિડ અને કેલ્શિયમ સહિતની જરૂરી દવાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત માતાઓને પોષણયુક્ત આહાર, સંસ્થાકીય પ્રસુતિના મહત્વ અને શિશુના સ્તનપાન અંગે પણ જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તાલુકા હેલ્થ ઓફ્સિરના માર્ગદર્શન મુજબ, કોઈ પણ શ્રમિક કે તેમનો પરિવાર આરોગ્ય સેવાઓથી વંચિત ન રહી જાય તેવા આશયથી આરોગ્ય વિભાગના કર્મચારીઓ સ્થળ પર જઈને સામાન્ય રોગોનું નિદાન, બાળકોનું સમયસર રસીકરણ તેમજ સામાન્ય તાવ, શરદી, ઉધરસ જેવી બીમારીઓની પ્રાથમિક સારવાર પણ ઉપલબ્ધ કરાવી રહ્યા છે.
