વિસાવદર તાલુકાના નાની મોણપરી ગામે સિંહણને રેસ્ક્યુ કરવાની કામગીરી દરમિયાન સર્જાયેલી કરુણ દુર્ઘટનામાં વન વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે.
સિંહણને બેભાન કરવા માટે છોડવામાં આવેલું ટ્રાન્ક્વીલાઈઝર ઈન્જેક્શન આકસ્મિક રીતે ટ્રેકર અશરફ્ ચૌહાણને વાગતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના બાદ જૂનાગઢ CF રામ રતન નાલાએ મૃતક વનકર્મીના પરિવારજનોને આર્થિક સહાય અંગે સત્તાવાર જાહેરાત કરી છે.
CFના જણાવ્યા અનુસાર, ફરજ દરમિયાન મૃત્યુ પામેલા વનકર્મીનો જે વીમો હોય છે તે મુજબ મૃતક અશરફ્ ચૌહાણના પરિવારને રૂ.10 લાખની વીમાની રકમ ચૂકવવામાં આવશે. ઉપરાંત, ગીર વેલ્ફેર ફ્ંડમાંથી પણ રૂ.5 લાખની વધારાની સહાય આપવામાં આવશે. વિશાલ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા વનકર્મીઓને મેડિકલ, શૈક્ષણિક અને આકસ્મિક મૃત્યુના કિસ્સામાં સહાય પૂરી પાડવામાં આવે છે. બીજી તરફ્, આ ઘટનામાં મિસ ફયરિંગ કેવી રીતે થયું તે અંગેની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશો અપાયા છે. જેમના હાથે આ મિસ ફયરિંગ થયું છે તે ડો. વિવેક ચૌહાણ સામે ખાતાકીય તપાસ બેસાડવામાં આવી છે. આ તપાસની જવાબદારી ગીર પશ્ચિમ વન વિભાગના નાયબ વન સંરક્ષક પ્રશાંત તોમરને સોંપાઈ છે. પ્રાથમિક તબક્કે મળતી વિગતો મુજબ, વન વિભાગનો સ્ટાફ્ અને ટ્રેક્યુલાઈઝર સાથે ઉભો હતો ત્યારે અચાનક સિંહણ આવી જવાને કારણે નિશાન ચૂકતા આ દુર્ઘટના સર્જાઈ હોવાની સંભાવના છે. તપાસ અધિકારી એ બાબતની ચકાસણી કરશે કે આ ઘટનામાં કોઈ બેદરકારી હતી કે કેમ, ઘટના સમયે સ્થિતિ શું હતી અને કયા સંજોગોમાં ગોળી ટ્રેકરને વાગી. વિશેષ તપાસના અંતે જ આ ઘટનાનું ચોક્કસ કારણ બહાર આવશે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો