માળિયા હાટીના તાલુકાના કુકસવાડા ગામે આવેલી આસ્થાના પ્રતીક સમાન બિલનાથ મહાદેવની જગ્યામાં અમાસના પવિત્ર દિવસે એક ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ અવસરે વહેલી સવારે 4 વાગ્યાના સુમારે બિલનાથ મહાદેવને સવા લાખથી પણ વધુ બીલીપત્રો અર્પણ કરી દિવ્ય મહાઅભિષેક કરવામાં આવ્યો હતો. વહેલી સવારથી જ શિવમય બનેલા વાતાવરણમાં ગ્રામજનો અને ભાવિક ભક્તોએ ભારે ઉત્સાહ અને ભક્તિભાવપૂર્વક આ મહાપૂજામાં ભાગ લીધો હતો.

આ ભવ્ય ધાર્મિક કાર્યક્રમમાં દર્શન અને પૂજા-અર્ચના કરવા માટે મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનોની ભારે ભીડ જોવા મળી હતી. ભાવિક ભક્તોએ બિલનાથ મહાદેવ સમક્ષ શીશ ઝુકાવી, પૂજા-અર્ચના કરી આ દિવ્ય દર્શનનો લાહવો લઈને જીવનમાં ધન્યતા અનુભવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સુંદર અને સફ્ળ આયોજન ગામના 'બિલનાથ ગ્રુપ' દ્વારા કરવામાં આવ્યું હતું. આ પવિત્ર કાર્યને પાર પાડીને બિલનાથ ગ્રુપે પણ ધન્યતા અનુભવી હતી.