જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં ખેડૂતોની હાલત અત્યંત કફોડી બની છે. આ વર્ષે ચોમાસામાં અતિવૃષ્ટિને કારણે મગફળી અને સોયાબીન જેવા પાકો સંપૂર્ણ નિષ્ફળ ગયા હતા. ખેડૂતોને આશા હતી કે રવિ સીઝનમાં સારી કમાણી કરીને નુકસાનની ભરપાઈ કરશે, પરંતુ હવે રવિ પાક પર પણ ભેદી રોગચાળાએ આક્રમણ કર્યું છે.
પાક સુકાઈ રહ્યો છે, દવાઓ બેઅસર
મેંદરડા પંથકમાં ચણા, ધાણા અને ડુંગળી જેવા મુખ્ય પાકોમાં બે પાણ પાયા બાદ અચાનક રોગચાળો ફાટી નીકળ્યો છે. ખેડૂતોએ દેવું કરીને મોંઘા ભાવના બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગ કર્યો છે, તેમ છતાં પાક સતત સુકાઈ રહ્યો છે. વાતાવરણમાં આવતા સતત પલટાને કારણે ઘઉં અને ચણામાં રોગનું પ્રમાણ વધ્યું છે, જેનાથી ખેડૂતોની મહેનત પાણીમાં જતી દેખાઈ રહી છે.













