જૂનાગઢના વંથલી પંથકના જાણીતા આગાહીકાર રમણીક વામજાએ હોળીની જ્યોત અને અખાત્રીજના પવનના આધારે વર્ષ 2026 માટે ભવિષ્યવાણી જાહેર કરી છે. આ આગાહી મુજબ આગામી વર્ષ કુદરતી હોનારતો અને આર્થિક ઉતાર-ચઢાવથી ભરેલું રહેવાની શક્યતા છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારો અને કૃષિ ક્ષેત્ર માટે આ વરતારો સાવચેતીના સંકેત આપી રહ્યો છે, કારણ કે હોળીની જ્વાળાઓ પરથી અતિવૃષ્ટિના પ્રબળ યોગ દેખાઈ રહ્યા છે.


અખાત્રીજના પવને સૂચવી અતિશય ગરમી

કુદરતી આફતોના વરતારા મુજબ, આ વર્ષે સામાન્ય કરતાં વધુ વરસાદ થવાની શક્યતા છે, જેમાં વેરાવળ અને પોરબંદર જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં 60 ઈંચ જેટલો ભારે વરસાદ પડી શકે છે. અખાત્રીજના પવનો સૂચવે છે કે ઉનાળામાં અસહ્ય ગરમી પડશે, જ્યારે ચોમાસા દરમિયાન દરિયાકાંઠે વિનાશક વાવાઝોડાનો ખતરો મંડરાશે. ભાદરવા માસમાં હાથિયા નક્ષત્રનો વરસાદ ખેતીના પાકને મોટું નુકસાન પહોંચાડી શકે છે, જેના કારણે ખેડૂતો માટે આ વર્ષ 'મિશ્રિત ફળદાયી' રહેશે તેવું અનુમાન છે.

ઓગસ્ટમાં ગ્રહણોથી વેપારમાં ભારે મંદી

આર્થિક અને રાજકીય દ્રષ્ટિએ પણ આ વર્ષ પડકારજનક રહેવાની આગાહી છે. ઓગસ્ટ મહિનામાં આવનારા ગ્રહણોને કારણે વેપાર-ધંધામાં ભારે મંદીનો માહોલ જોવા મળી શકે છે, જ્યારે દેશમાં કોઈ મોટી અને પ્રભાવશાળી વ્યક્તિના અવસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય સ્તરે સરહદો પર તણાવ વધશે અને યુદ્ધના ભણકારા વાગવાની શક્યતા છે. આ પરંપરાગત આગાહીઓ ગ્રામીણ જનતામાં ચર્ચાનો વિષય બની છે, જે લોકોના આગામી આયોજનો પર મોટી અસર પાડી શકે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: