ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીની BAMSની પરીક્ષામાં થયેલા કથિત પેપર લીક કૌભાંડના ઘેરા પ્રત્યાઘાતો જૂનાગઢમાં પડયા છે. રાજ્યમાં સતત વધી રહેલા પેપર લીક કૌભાંડો અને શિક્ષણમાં વ્યાપેલા ભ્રષ્ટાચારના મુદ્દે NSUI અને કોંગ્રેસના આગેવાનો દ્વારા આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ મામલે કોંગ્રેસ અને NSUIના આગેવાનો તથા કાર્યકરો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે ઉમટી પડયા હતા અને પ્લેકાર્ડ દર્શાવીને સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ પ્રદર્શનના ભાગરૂપે આગેવાનોએ કલેક્ટર કચેરી કેમ્પસમાં જ નીચે બેસીને રામધૂન બોલાવી હતી અને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.
આવેદનપત્રમાં જણાવાયું છે કે, રાજ્યમાં NEET કૌભાંડની શાહી હજુ સુકાઈ નથી ત્યાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી અંતર્ગત લેવાયેલી તૃતીય પ્રોફેશનલ વર્ષ BAMSની શલ્યતંત્ર-1 ની પરીક્ષા પેપર લીક થયું છે. પરીક્ષા શરૂ થાય તે પહેલાં જ વોટ્સએપ મેસેજમાં ઈમ્પોર્ટન્ટ ટોપિક્સ તરીકે ફરતા થયેલા 12 પ્રશ્નોમાંથી 11 પ્રશ્નો પરીક્ષાના પ્રશ્નપત્રમાં બેઠેબેઠા પૂછાયા હોવાનો ઘટસ્ફેટ થયો છે, જેના કારણે યુવાનો અને ભાવિ તબીબોના ભવિષ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થઈ રહ્યા છે. સરકારી તંત્ર દ્વારા સ્ક્વોડના અધિકારીઓને અગાઉથી જાણ કરવા છતાં સમયસર પગલાં ન લેવાયા હોવાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો છે.
