જૂનાગઢ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તાજેતરમાં ખાનગી હોસ્પિટલમાં ઇન્સ્પેકશન કરવામાં આવ્યું હતું, દરમ્યાન એક ખાનગી હોસ્પિટલ દ્વારા સગર્ભા મહિલાઓના ફોર્મ એફ ભર્યું ન હોય તેમજ રજિસ્ટરમાં નોંધ ન કરેલી હોવાનું સામે આવતા કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી અને જિલ્લા એડવાઈઝર કમિટી દ્વારા કાયદાના ભંગ બદલ ઠેસિયા મેટરનિટી અને ગાયનેક હોસ્પિટલ જૂનાગઢનું પીએનડીટી નોંધણી બે મહિના માટે સસ્પેન્ડ કરીને સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યું છે.
જૂનાગઢ જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા જણાવ્યું કે, જૂનાગઢની ઠેસિયા મેટરનિટી અને ગાયનેક સર્જીકલ હોસ્પિટલમાં ઇન્સ્પેકશનની કામગીરી કરવામાં આવી હતી. જેમાં સોનોગ્રાફી કરેલ માતાના ફોર્મ એફ ભરવામાં કે રજિસ્ટરમાં એન્ટ્રી કરવામાં આવતી ન હોવાનું ધ્યાને આવ્યું હતું, જેથી પીસી એન્ડ પીએનડીટી કાયદાની કલમ-4(3), 29, નિયમ -9(1),9(4) અને 10(1)(A)નો ભંગ કરવામાં આવતા કલમ -20(1) હેઠળ તારીખ 26 નવેમ્બરે કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી. હોસ્પિટલનો ખૂલાસો ગ્રાહ્ય ન રાખી પીએનડીટી નોંધણી બે માસ માટે સસ્પેન્ડ કરવામાં આવી છે. તેમજ મશીન પણ સીલ કરાયું છે.










