ગરવા ગિરનારની પવિત્ર લીલી પરિક્રમાની પૂર્વ તૈયારીઓ વહીવટી તંત્ર દ્વારા પૂરજોશથી ચાલી રહી છે. આજે જૂનાગઢના સાધુ-સંતો, પદાધિકારીઓ અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓએ પરિક્રમામાં પધારતા લાખો ભાવિકો માટે જરૂરી સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે પરિક્રમાના રૂટનું સંયુક્ત નિરીક્ષણ કર્યું હતું. આ નિરીક્ષણમાં ગિરનાર તીર્થક્ષેત્રના ઇન્દ્રભારતી બાપુ, મહેશગીરી બાપુ, મહેન્દ્રાનંદગીરી બાપુ, મહાદેવગીરીબાપુ, કિશનદાસ બાપુ સહિતના સાધુ-સંતો ઉપરાંત સાંસદ રાજેશ ચુડાસમા, મેયર ધર્મેશ પોશિયા, ધારાસભ્ય સંજય કોરડીયા, જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરી, કમિશનર આઈ.આર. વાળા, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, નાયબ વન સંરક્ષક અક્ષય જોશી અને નિવાસી અધિક કલેક્ટર બી.એસ. બારડ સહિતના અધિકારીઓ જોડાયા હતા. નિરીક્ષણ દરમિયાન પીવાના પાણી, આરોગ્ય સેવાઓ, સેવાભાવી સંસ્થાઓ, અન્નક્ષેત્રો અને લાઇટિંગ સહિતની સુવિધાઓ અંગે વિગતવાર પરામર્શ કરવામાં આવ્યો. ખાસ કરીને ઓછા વરસાદને કારણે પાણીની ઉપલબ્ધતા જાળવવા બોરવેલ મારફ્તે પાણીની સુવિધાઓ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. સાધુ-સંતો અને પદાધિકારીઓએ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી પૂર્વ તૈયારીઓ અંગે સંતોષ વ્યક્ત કર્યો. સાધુ-સંતોએ ગિરનાર પરિક્રમાના કઠિન માર્ગને ધ્યાનમાં રાખીને અશક્તો, વયોવૃદ્ધો અને બાળકોને શક્ય હોય ત્યાં સુધી પરિક્રમા ટાળવા અનુરોધ કર્યો. તેમજ ભાવિકોને પ્રતિબંધિત પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ સાથે ન લાવવા અને પ્રકૃતિ તથા પર્યાવરણના જતનમાં સહયોગ આપવા અપીલ કરી હતી. જિલ્લા કલેક્ટરએ જણાવ્યું કે તા. 20 નવેમ્બરની મધ્યરાત્રિથી શરૂ થનારી ગિરનાર લીલી પરિક્રમામાં તમામ ભાવિકોને ભાવપૂર્વક આમંત્રણ છે. આ વર્ષે વરસાદની અછતને કારણે કુદરતી રીતે નદી-નાળાઓમાં પાણી ઉપલબ્ધ નથી, છતાં વહીવટી તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓને પીવાના પાણીની જરૂરી સુવિધા મળી રહે તે માટે પ્રયાસો ચાલી રહ્યા છે.
