કેશોદ શહેરમાં નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરની સુવિધા આપવામાં આવ્યા બાદ વેરા વસૂલાત શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી શહેરના લગભગ તમામ માર્ગો અને સોસાયટીઓમાં ભૂગર્ભ ગટરની કૂંડીના ઢાંકણા ધસી જવા બેસી જવા અને તૂટી જવાની ફરિયાદો વધી રહી છે. જેના કારણે રાહદારીઓ અને વાહનચાલકોની સલામતી જોખમમાં મુકાઈ છે. નગરપાલિકાએ શહેરમાં ભૂગર્ભ ગટર યોજના કાર્યરત કર્યા બાદ છેલ્લા 1 વર્ષથી લોકો પાસેથી તેનો વેરો પણ વસૂલ કરવાનું શરૂ કરી દીધું છે. પરંતુ હાલમાં શહેરની મોટાભાગની ગટરની કૂંડીઓના ઢાંકણા રોડની સપાટીથી અડધો થી 1 ફૂટ નીચા ઉતરી ગયા છે. કેટલીક જગ્યાએ તો ઢાંકણા સંપૂર્ણપણે તૂટી ગયા છે. વરસાદી માહોલમાં અનેક જગ્યાએ ગટરનું ગંદુ પાણી પણ રોડ પર વહી રહ્યું છે. આને કારણે શહેરમાં મહિલાઓ અને વૃદ્ધ નાગરિકો છાશવારે અકસ્માતનો ભોગ બની રહ્યા છે. દર વર્ષે રોડ રસ્તા બનાવવાની માતબર રકમ ફળવવામાં આવ્યા બાદ ભુગર્ભ ગટરની કૂંડીના ચેમ્બરના લેવલમાં રોડ બનાવવાના હોય છે પરંતુ જુનો રોડ ખોદી મેટલીગ કરવાને બદલે સીધો ડામર પાથરી આપવાથી ચેમ્બર કુડીઓ નીચે રહી જાય છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે ઠેકેદાર જેમ ફાવે તેમ રોડ બનાવીને નીકળી જાય છે અને ત્યારબાદ પાલિકા દ્વારા કોઈ ચકાસણી કરવામાં આવતી નથી. શહેરીજનો એ જણાવ્યું કે આવા નીચા ઉતરી ગયેલા ઢાંકણા અને તૂટેલા ઢાંકણાના કારણે અકસ્માતની અનેક ફરિયાદો ઉઠી હોવા છતાં પાલિકા દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો